ગાંધીનગર: ગાંધીનગરમાં 5 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ ગુજારનાર આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરતા સનસનાટી મચી ગઈ હતી. ભાગી રહેલા નરાધમને રોકવા માટે મહિલા પોલીસ અધિકારીએ સાહસ બતાવી સીધું ફાયરિંગ કર્યું, જેમાં આરોપીના પગમાં ગોળી વાગતા તે પકડાઈ ગયો છે. હાલ ઇજાગ્રસ્ત આરોપી પોલીસ પહેરા હેઠળ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને મહિલા ઓફિસરની આ કામગીરીની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે,
ગાંધીનગરથી કાયદો અને વ્યવસ્થા સાથે જોડાયેલા એક મોટા અને સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. સેક્ટર-24ના ઇન્દિરા નગર વિસ્તારમાં 5 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ ગુજારનાર આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જે બાદ પોલીસે ફાયરિંગ કરવું પડ્યું હતું. આ કાર્યવાહીમાં આરોપીના પગમાં ગોળી વાગી છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
રી-કન્સ્ટ્રક્શન દરમિયાન ભાગવાનો કર્યો હતો પ્રયાસ
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી રામસિંહ ઉર્ફે રામ ગુલાટી યાદવની ગાંધીનગરના સેક્ટર-25 વિસ્તારમાંથી બે દિવસ અગાઉ ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ પોલીસ તેને ઘટનાસ્થળે રી-કન્સ્ટ્રક્શન અને પુરાવા એકત્ર કરવા માટે લઈ ગઈ હતી. આ દરમિયાન આરોપીએ અચાનક પોલીસને થાપ આપીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી.
આરોપીને ભાગતો જોઈ સેક્ટર-21ના મહિલા પોલીસ ઈન્સ્પેક્ટર લતા દેસાઈએ તરત જ પરિસ્થિતિ સંભાળી લીધી હતી. આત્મરક્ષણ માટે અને આરોપીને ભાગતો રોકવા માટે તેમણે પોતાની સર્વિસ રિવોલ્વરથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાંથી એક ગોળી આરોપીના પગમાં વાગતા તે ઘટનાસ્થળે જ પડી ગયો હતો. ત્યારબાદ પોલીસે તેને કાબૂમાં લઈને સારવાર માટે સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યો હતો.
ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપી પકડાયો
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મૂળ બિહારનો રહેવાસી છે અને ગાંધીનગર જીઆઈડીસીમાં આવેલી અમૂલ ડેરીમાં કામ કરતો હતો. બાળકી પર દુષ્કર્મની ઘટના બાદ પોલીસે આસપાસના સીસીટીવી (CCTV) કેમેરાના ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીની ઓળખ કરી તેને ઝડપી લીધો હતો.
માહિતી મુજબ, ઘટનાની રાત્રે આરોપી તે વિસ્તારમાં જ ફરી રહ્યો હતો. એ જ સમયે માસૂમ બાળકી લઘુશંકા માટે બહાર નીકળી હતી. આરોપીએ મોકો જોઈ બાળકીને ઉઠાવી લીધી અને તેની સાથે આ ઘૃણાસ્પદ કૃત્યને અંજામ આપ્યો હતો. આ ઘટના બાદ સમગ્ર ગાંધીનગરમાં રોષ અને ફફડાટનો માહોલ છે.
પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો દાખલ
આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ અને અન્ય ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આરોપી સાજો થતાની સાથે જ તેને ફરીથી ચુસ્ત સુરક્ષા હેઠળ કસ્ટડીમાં લેવામાં આવશે અને મામલાની કાયદેસરની કાર્યવાહી તેજ કરવામાં આવશે. પોલીસની આ કડક કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.