PM Modi: ભારત અને ફ્રાંસ વચ્ચેની મિત્રતા હવે નવા શિખરો સર કરવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન મંગળવારથી ભારતની મુલાકાતે આવી રહ્યા છે, જ્યાં મુંબઈમાં બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાર્તા યોજાશે.
ટાટા-એરબસ હેલિકોપ્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન
બંને નેતાઓની આ મુલાકાત દરમિયાન એક મોટો પ્રોજેક્ટ સાકાર થશે. PM મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોન કર્ણાટકના વેમગલમાં ‘ટાટા-એરબસ H125 હેલિકોપ્ટર એસેમ્બલી લાઇન’નું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરશે. આ સાથે જ બંને દેશોના રક્ષામંત્રીઓ સંરક્ષણ સંવાદની સહ-અધ્યક્ષતા કરશે, જે સુરક્ષા ક્ષેત્રે સહયોગ વધારશે.

AI અને ઇનોવેશન પર ભાર
ભારત અને ફ્રાંસ વર્ષ 2026 ને ‘યર ઓફ ઇનોવેશન’ તરીકે ઉજવી રહ્યા છે. મંગળવારે સાંજે બંને નેતાઓ આ ખાસ વર્ષનું ઉદ્ઘાટન કરશે અને બિઝનેસ લીડર્સ તેમજ સ્ટાર્ટ-અપ્સ સાથે મુલાકાત કરશે. આ ઉપરાંત, મેક્રોન નવી દિલ્હીમાં આયોજિત ‘ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ’માં પણ ભાગ લેશે, જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં બંને દેશોની ભાગીદારી મજબૂત કરશે.

વ્યૂહાત્મક ભાગીદારી અને ગ્લોબલ મુદ્દા
મુંબઈના લોક ભવનમાં યોજાનારી બેઠકમાં ‘હોરાઈઝન 2047 રોડમેપ’ પર ચર્ચા થશે. આ દરમિયાન ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સહયોગ અને વૈશ્વિક શાંતિ જેવા મહત્વના મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કરવામાં આવશે. મેક્રોનની આ ચોથી ભારત મુલાકાત છે, પરંતુ મુંબઈની આ તેમની પ્રથમ મુલાકાત હોવાથી તે ખૂબ જ ખાસ બની રહેશે.

ઈન્ડિયા AI ઈમ્પેક્ટ એક્સપો
આપણને જણાવી દઈએ કે,ભારતમાં શરૂ થયેલા આ એક્સપોમાં ફ્રાંસ સહિત 13 દેશોના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. આ ઈવેન્ટ ટેકનોલોજી અને ઈકોસિસ્ટમમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતના વધતા પ્રભાવને દર્શાવે છે.