PM Modi Car Diplomacy: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક અનૌપચારિક પરંતુ અસરકારક પહેલ આજે વૈશ્વિક કૂટનીતિમાં નવો ટ્રેન્ડ બની ગઈ છે. જેને હવે દુનિયા ‘કાર ડિપ્લોમેસી’ તરીકે ઓળખે છે. નેતાઓ સાથે એક જ કારમાં સફર કરવાનો આ સરળ અંદાજ ભારતના સંબંધોમાં નવી ગરમાશ અને વિશ્વાસ ઉમેરે છે.
આ ટ્રેન્ડની શરૂઆત રશિયાથી થઈ હતી. ચીનમાં યોજાયેલી SCO સમિટ દરમિયાન પીએમ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન એક જ કારમાં સાથે સફર કરતા જોવા મળ્યા હતા. આ ક્ષણ મિત્રતા અને પરસ્પર વિશ્વાસનું પ્રતિક બની ગઈ. પુતિને ખુદ કહ્યું હતું કે આ વિચાર મિત્રતાનું પ્રતિક હતું.

હાલમાં જ યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાનની ટૂંકી દિલ્હી મુલાકાત દરમિયાન પીએમ મોદીએ પ્રોટોકોલ તોડી એરપોર્ટ પર પોતે સ્વાગત કર્યું. બંને નેતાઓએ એક જ કારમાં મુસાફરી કરી. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યું “Welcome, my brother”, જે બંને દેશો વચ્ચેના ભાવનાત્મક સંબંધ દર્શાવે છે.

બ્રિટેનના પ્રધાનમંત્રી કિયર સ્ટાર્મર સાથે પણ આવી જ કેમિસ્ટ્રી જોવા મળી. મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2025 દરમિયાન બંને નેતાઓ કાર શેર કરતા જોવા મળ્યા. પીએમ મોદીએ ભારત-યુકે મિત્રતા ઝડપથી આગળ વધી રહી હોવાનું જણાવ્યું.


જર્મનીના નવા ચાન્સલર ફ્રેડરિક મર્જ સાથે પણ પીએમ મોદીની કાર ડિપ્લોમેસી ચર્ચામાં રહી. બંને દેશો વચ્ચે ટેકનોલોજી, ઉદ્યોગ અને શિક્ષણ ક્ષેત્રે સહકાર સતત મજબૂત બની રહ્યો છે.

જોર્ડન અને ઇથિયોપિયામાં પણ પીએમ મોદીને મળેલું વ્યક્તિગત સ્વાગત બતાવે છે કે ભારતના સંબંધો હવે માત્ર ઔપચારિક નથી રહ્યા. કાર ડિપ્લોમેસી ભારતની સોફ્ટ પાવર અને વ્યક્તિગત કનેક્શનની નવી ઓળખ બની છે.