Pruthviraaj Chauhaan: શું અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના વડાપ્રધાનનું અપહરણ કરી શકે? આ કોઈ હોલીવુડ ફિલ્મની સ્ક્રિપ્ટ નથી, પણ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણનું એ વિવાદાસ્પદ નિવેદન છે જેણે દેશના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે! વેનેઝુએલાની ઘટનાને ભારત સાથે જોડીને ચવ્હાણે કરેલી ટિપ્પણી બાદ હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે – શું વિપક્ષ હતાશામાં દેશની ગરિમા ભૂલી રહ્યો છે?”
વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો વિરુદ્ધ અમેરિકાએ કરેલી સૈન્ય કાર્યવાહી બાદ ભારતમાં રાજકીય વિવાદ વકર્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૃથ્વીરાજ ચવ્હાણે એક આઘાતજનક સવાલ ઉઠાવતા પૂછ્યું કે, “શું ડોનાલ્ડ ટ્રમ્પ આપણા વડાપ્રધાનનું પણ અપહરણ કરી લેશે?” ચવ્હાણના આ નિવેદને સોશિયલ મીડિયાથી લઈને દિલ્હીના ગલિયારા સુધી હંગામો મચાવ્યો છે.
પૃથ્વીરાજ ચવ્હાણે માત્ર અપહરણની વાત જ નથી કરી, પરંતુ અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલા 50 ટકા ટેરિફ અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે દાવો કર્યો કે આટલા ઊંચા ટેરિફને કારણે ભારતનો અમેરિકા સાથેનો વેપાર લગભગ ઠપ થઈ જશે અને ભારતે હવે નવા બજારો શોધવાની ફરજ પડશે. તેમના મતે, ભારત માટે આ એક મોટો આર્થિક ઝટકો છે

પૂર્વ ડીજીપી શેષ પોલ વૈદ્યની તીખી પ્રતિક્રિયા
આ બાજુ ચવ્હાણના આ નિવેદન સામે તીખી પ્રતિક્રિયાઓ પણ શરૂ થઈ ગઈ છે. જમ્મુ-કાશ્મીરના પૂર્વ ડીજીપી શેષ પોલ વૈદ્યએ પૃથ્વીરાજ ચવ્હાણની આકરી આલોચના કરી છે. તેમણે કહ્યું કે, ચવ્હાણ જેવા અનુભવી નેતા પાસેથી આવા નિવેદનની અપેક્ષા નહોતી. પૂર્વ ડીજીપીએ સવાલ કર્યો કે શું કોઈ ભારતીય નેતા એવી અપેક્ષા રાખી શકે કે ભારતમાં વેનેઝુએલા જેવી સ્થિતિ સર્જાય?
પૂર્વ ડીજીપી વૈદ્યએ આ વિચારધારાને ‘દેશવિરોધી’ ગણાવી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે સરકારની નીતિઓની ટીકા કરવી એ લોકશાહીનો અધિકાર છે, પરંતુ દેશના સન્માન અને વડાપ્રધાન પદની ગરિમાને ઠેસ પહોંચાડવી એ શરમજનક છે. આ પ્રકારના નિવેદનો કોંગ્રેસના નેતાઓની હતાશા અને નિરાશા દર્શાવે છે.

હાલમાં પૃથ્વીરાજ ચવ્હાણના આ નિવેદન પર રાજકીય નિવેદનબાજી તેજ બની છે. એક તરફ ટેરિફના મુદ્દે આર્થિક ચર્ચાઓ ચાલી રહી છે, તો બીજી તરફ વડાપ્રધાન મોદી વિશેના અપમાનજનક નિવેદનથી ભાજપ અને વિપક્ષ આમને-સામને આવી ગયા છે. હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસ હાઈકમાન્ડ આ વિવાદ પર શું સ્પષ્ટતા કરે છે.