પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાલે સવારે ૧૧ વાગે પોતના મંથલી રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ ના ૯૧મી એપિસોડને સંબોધિત કર્યો. તેની શરૂઆત તેમણે આગામી સ્વતંત્રતા દિવસને લઇને અત્યાર સુધી થયેલી તૈયારીઓની જાણકારી આપતાં કરી. પીએમ મોદીએ કહ્યું કે આ વખતે તે અપીલ કરે છે ૧૩ ઓગસ્ટને લઇને ૧૫ ઓગસ્ટ સુધી દેશભરના લોકો હર ઘર તિરંગા અભિયાનનો ભાગ બને. પીએમ મોદીએ કહ્યું ‘ આ વખતે ‘મન કી બાત’ ખૂબ જ ખાસ છે.
તેનું કારણ છે કે આ વખતે સ્વતંત્રતા દિવસ, જ્યારે ભારત પોતાની આઝાદીને ૭૫ વર્ષ પુરા કરશે. ત્યારે આપણે બધા આ અદભૂત અને ઐતિહાસિક પળના સાક્ષી બનવા જઇ રહ્યા છીએ. ૩૧ જુલાઇ એટલે કે આજના દિવસે, આપણે તમામ દેશવાસી, શહીદ ઉધમ સિંહજી શહાદતને નમન કરીએ છીએ. હું એવા અન્ય તમામ મહાન ક્રાંતિકારીઓને વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરુ છું જેમણે દેશ માટે પોતાનું સર્વસ્વ બલિદાન કરી દીધું.
‘ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ ક્રાર્યક્રમમાં જણાવ્યું કે મને હિમાચલ પ્રદેશથી ‘મન કી બાત’ના એક શ્રોતા આશીષ બહલજીનો એક પત્ર મળ્યો છે. તેમણે પોતાના પત્રમાં ચંબાના ‘મિંજર મેળા’નો ઉલ્લેખ કર્યો છે. વાસ્તવમાં, મિંજર મકાઈનાં ફૂલોને કહે છે. જ્યારે મકાઈમાં માંજર આવે છે, તો મિંજર મેળો યોજવામાં આવે છે અને આ મેળામાં, દેશભરના પર્યટકો, દૂર-દૂરથી ભાગ લેવા આવે છે. સંયોગથી મિંજર મેળો આ સમયે ચાલી પણ રહ્યો છે. જાે તમે હિમાચલ પ્રદેશ ફરવા ગયા હો તો આ મેળાને જાેવા ચંબા જઈ શકો છો.
ચંબા તો એટલું સુંદર છે કે ત્યાંનાં લોકગીતોમાં વારંવાર કહેવાય છે- સાથીઓ, આપણા દેશમાં મેળાનું પણ ઘણું સાંસ્કૃતિક મહત્ત્વ છે. મેળો, જન-મન બંનેને જાેડે છે. હિમાચલમાં વર્ષા પછી જ્યારે ખરીફનો પાક પાકે છે, ત્યારે સપ્ટેમ્બરમાં, શિમલા, મંડી, કુલ્લૂ અને સોલનમાં સૈરી અથવા સૈર પણ ઉજવવામાં આવે છે. સપ્ટેમ્બરમાં જ જાગરા પણ આવનાર છે. જાગરાના મેળાઓમાં મહાસૂ દેવતાનું આહ્વાહન કરીને બીસૂ ગીત ગાવામાં આવે છે. મહાસૂ દેવતાનું આ જાગર હિમાચલમાં શિમલા, કિન્નૌર અને સિરમૌર સાથે-સાથે ઉત્તરાખંડમાં પણ થાય છે.
સાથીઓ, આપણા દેશમાં અલગ-અલગ રાજ્યોમાં આદિવાસી સમાજમાં પણ અનેક પારંપરિક મેળાઓ થાય છે. તેમાંથી કેટલાક મેળા આદિવાસી સંસ્કૃતિ સાથે જાેડાયેલા છે, તો કેટલાકનું આયોજન, આદિવાસી ઇતિહાસ અને વારસા સાથે જાેડાયેલું છે, જેમ કે, જાે તમને તક મળે તો તેલંગાણાના મેડારમનો ચાર દિવસનો સમક્કા-સરલમ્મા જાતરા મેળો જાેવા જરૂર જજાે. આ મેળાને તેલંગાણાનો મહાકુંભ કહેવાય છે.
સરલમ્મા જાતરા મેળો, બે આદિવાસી મહિલા નાયિકાઓ, સમક્કા અને સરલમ્માના સન્માનમાં યોજવામાં આવે છે. તે તેલંગાણા જ નહીં, પરંતુ છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશના કોયા આદિવાસી સમુદાય માટે આસ્થાનું મોટું કેન્દ્ર છે. આંધ્ર પ્રદેશમાં મારીદમ્માનો મેળો પણ આદિવાસી સમાજની માન્યતાઓ સાથે જાેડાયેલો મોટો મેળો છે. મારીદમ્માનો મેળો જેઠ અમાસથી અષાઢ અમાસ સુધી ચાલે છે અને અહીંનો આદિવાસી સમાજ તેને શક્તિ ઉપાસના સાથે જાેડે છે. અહીં, પૂર્વી ગોદાવરીના પેદ્ધાપુરમ્માં, મરીદમ્મા મંદિર પણ છે.
આ રીતે રાજસ્થાનમાં ગરાસિયા જનજાતિના લોકો વૈશાખ શુક્લ ચતુર્દશીના દિને ‘સિયાવા કા મેલા’, અથવા ‘મનખાં રો મેલા’નું આયોજન કરે છે. છત્તીસગઢમાં બસ્તરના નારાયણપુરનો ‘માવલી મેળો’ પણ ખૂબ જ વિશેષ હોય છે. પાસે જ, મધ્ય પ્રદેશનો ‘ભગોરિયો મેળો’ પણ ઘણો પ્રસિદ્ધ છે. કહે છે કે, ભગોરિયા મેળાની શરૂઆત, રાજા ભોજના સમયમાં થઈ છે. ત્યારે ભીલ રાજા કાસૂમરા અને બાલૂને પોત-પોતાની રાજધાનીમાં પહેલી વાર આ મેળા યોજ્યા હતા. ત્યારથી આજ સુધી, આ મેળા, એટલા જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. આ જ રીતે, ગુજરાતમાં તરણેતર અને માધવપુર જેવા અનેક મેળા ઘણા પ્રખ્યાત છે.
મેળા, પોતાની રીતે, આપણા સમાજ, જીવનની ઊર્જાનો બહુ મોટો સ્રોત હોય છે. તમારી આસપાસ પણ આવા અનેક મેળા થતા હશે. આધુનિક સમયમાં સમાજની આ જૂની કડીઓ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને મજબૂત કરવા માટે ખૂબ જ આવશ્યક છે. આપણા યુવાનોએ તેની સાથે અવશ્ય જાેડાવું જાેઈએ અને તમે જ્યારે પણ આ મેળાઓમાં જાવ, તો ત્યાંની તસવીરો સૉશિયલ મિડિયા પર પણ મૂકો.
તમે ઈચ્છો તો કોઈ ખાસ હેશટેગનો પણ ઉપયોગ કરી શકો છો. તેનાથી આ મેળાઓ વિશે બીજા લોકો પણ જાણશે. તમે સાંસ્કૃતિક મંત્રાલયની વેબસાઇટ પર પણ તસવીરો અપલૉડ કરી શકો છો. આગામી કેટલાક દિવસમાં સાંસ્કૃતિક મંત્રાલય એક સ્પર્ધા શરૂ કરવા જઈ રહ્યું છે, જ્યાં મેળાની સૌથી સારી તસવીર મોકલનારને પુરસ્કાર પણ આપવામાં આવશે. તો પછી વાર ન લગાડો. મેળામાં ફરો, તેની તસવીરો મૂકો અને બની શકે કે તમને પણ પુરસ્કાર મળી જાય.