Rahul Gandhi In Loksabha: લોકસભામાં બજેટ પરની ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ભારત-અમેરિકા ટ્રેડ ડીલને દેશહિત વિરુદ્ધ ગણાવીને ગંભીર આક્ષેપો કર્યા, જેના કારણે સંસદમાં ભારે હોબાળો મચી ગયો હતો.
ટ્રેડ ડીલ પર આકરા પ્રહારો
રાહુલ ગાંધીએ ભાષણની શરૂઆત માર્શલ આર્ટના ઉદાહરણથી કરી હતી. તેમણે કહ્યું કે રાજનીતિમાં પણ એક ‘ગ્રીપ’ હોય છે જે દેખાતી નથી. અમેરિકા સાથેની ટ્રેડ ડીલ પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે સરકારે શરતો પર સમજૂતી કરીને દેશના ખેડૂતોના હિતોને નુકસાન પહોંચાડ્યું છે. તેમના મતે, આ ડીલમાં અમેરિકી સામાન પર ટેરિફ ઝીરો કરી દેવાયો છે, જ્યારે ભારતીય સામાન પર ટેરિફ વધારી દેવામાં આવ્યો છે.

ડેટા અને AI નો ખતરો
રાહુલ ગાંધીએ ભારતીય ડેટાને દુનિયાની સૌથી કિંમતી વસ્તુ ગણાવી હતી. તેમણે ચેતવણી આપી કે અમેરિકાને પોતાનું વર્ચસ્વ ટકાવી રાખવા માટે ભારતીય ડેટાની જરૂર છે. આ ઉપરાંત, તેમણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના જોખમ વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે AI ને કારણે હજારો સોફ્ટવેર એન્જિનિયરોની નોકરીઓ જઈ શકે છે, પરંતુ બજેટમાં આ સમસ્યાના ઉકેલ માટે કોઈ જોગવાઈ કરવામાં આવી નથી.

સંસદમાં ભારે હંગામો
આ બાજુ ભાષણ દરમિયાન જ્યારે રાહુલ ગાંધીએ ‘એપસ્ટીન ફાઇલ્સ’ અને અનિલ અંબાણીનો ઉલ્લેખ કર્યો, ત્યારે સદનમાં ભારે શોરબકોર થયો હતો. બીજી તરફ, સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ કોંગ્રેસના સાંસદો પર સ્પીકર સાથે ગેરવર્તન કરવાનો આરોપ લગાવ્યો છે.

તેમણે દાવો કર્યો કે વિપક્ષી નેતાઓની હાજરીમાં સાંસદોએ સ્પીકરની ચેમ્બરમાં જઈને અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો, જેનાથી સ્પીકર ખૂબ જ આહત થયા છે.