Defence-minister-rajnath-singh-comments: રક્ષા મંત્રી રાજનાથ સિંહે પડોશી દેશોને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આપણા પડોશી જરા મગજના ફરેલા છે, ક્યારે શું કરી બેસે તેનો કોઈ ભરોસો નથી. આવી સ્થિતિમાં ભારત માટે ડિફેન્સ સેક્ટરમાં આત્મનિર્ભર બનવું અત્યંત જરૂરી છે.
નાગપુરથી મહત્વનો સંદેશ
નાગપુરમાં ઇકોનોમિક્સ એક્સપ્લોસિવ કંપનીની મુલાકાત દરમિયાન રાજનાથ સિંહે પાકિસ્તાન અને ચીનનું નામ લીધા વગર આકરા શબ્દોમાં ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે ક્યારે હથિયારોની જરૂર પડી જાય તે કહી શકાતું નથી, તેથી તૈયારીઓ મજબૂત હોવી જોઈએ.

ડિફેન્સ મેન્યુફેક્ચરિંગમાં પ્રાઇવેટ સેક્ટરની ભૂમિકા
રક્ષા મંત્રીએ વધુમાં એમ પણ જણાવ્યું કે હવે ડિફેન્સ મેન્યુફેક્ચરિંગમાં પ્રાઇવેટ સેક્ટરની ભૂમિકા ઓછામાં ઓછી 50 ટકા હોવી જોઈએ. અગાઉ આ ક્ષેત્ર સંપૂર્ણપણે પબ્લિક સેક્ટર સુધી સીમિત હતું, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે.
ડિફેન્સ પ્રોડક્શન અને એક્સપોર્ટમાં મોટો ઉછાળો
તેમણે આંકડાઓ સાથે જણાવ્યું કે 2014માં ડોમેસ્ટિક ડિફેન્સ પ્રોડક્શન આશરે 46 હજાર કરોડ રૂપિયા હતું, જે આજે વધીને 1.5 લાખ કરોડથી વધુ થયું છે. એટલું જ નહીં, ડિફેન્સ એક્સપોર્ટ પણ 1 હજાર કરોડથી વધીને 25 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે. લક્ષ્ય છે કે 2030 સુધી આ આંકડો 50 હજાર કરોડ થાય.
ભારત બનશે ગ્લોબલ ડિફેન્સ હબ
આ સાથે રાજનાથ સિંહે એ પણ સ્પષ્ટ કહ્યું કે સરકારનો હેતુ ભારતને હથિયાર ઉત્પાદનનું વૈશ્વિક કેન્દ્ર (Global Hub) બનાવવાનો છે. તેમણે ઉમેર્યું કે યુદ્ધનું સ્વરૂપ ઝડપથી બદલાઈ રહ્યું છે અને તેની તીવ્રતા પણ વધી રહી છે, તેથી તૈયારી પણ એટલી જ આધુનિક અને મજબૂત હોવી જોઈએ.
બદલાતું યુદ્ધ અને નવી ટેક્નોલોજી
વધુમાં રક્ષા મંત્રીએ કહ્યું કે આજના સમયમાં યુદ્ધના સ્વરૂપ બદલાઈ ગયા છે. કેટલાક સંઘર્ષ વર્ષો સુધી ચાલે છે, કેટલાક થોડા કલાકોમાં પૂરાં થાય છે. આવી સ્થિતિમાં આધુનિક હથિયાર અને ટેક્નોલોજી ભારતની સૌથી મોટી તાકાત બનશે.