Nakshlio Kills: છત્તીસગઢના બસ્તરમાં નક્સલવાદ વિરુદ્ધ સુરક્ષા દળોને અત્યાર સુધીની સૌથી મોટી સફળતા મળી છે. શુક્રવાર અને શનિવારે થયેલા અલગ-અલગ એન્કાઉન્ટરમાં જવાનોએ કુલ 14 નક્સલીઓને ઠાર કર્યા છે. સુકમામાં 12 અને બીજાપુરમાં 2 નક્સલીઓ માર્યા ગયા છે. સૌથી મહત્વની વાત એ છે કે આ ઓપરેશનમાં ખૂંખાર નક્સલી કમાન્ડર સચિન મંગડૂ પણ માર્યો ગયો છે.
12 નક્સલીઓને મોતને ઘાટ ઉતાર્યા
છત્તીસગઢના સુકમા અને બીજાપુરમાં ગુંજેલી બંદૂકોની ગર્જનાએ નક્સલીઓના કિલ્લાને હચમચાવી દીધો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના 31 માર્ચ 2026 સુધીમાં નક્સલવાદના ખાતમાના સંકલ્પને સાકાર કરવા માટે સુરક્ષા દળોએ રણશિંગુ ફૂંકી દીધું છે. સુકમાના કિસ્તા રામ વિસ્તારમાં DRG (ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ) ની ટીમે પામલૂરના ગાઢ જંગલોમાં ઘેરાબંધી કરીને 12 નક્સલીઓને મોતને ઘાટ ઉતાર્યા છે.

સુકમા એસપી કિરણ ચવ્હાણની દેખરેખ હેઠળ ચાલેલા આ ઓપરેશનમાં સૌથી મોટી સફળતા ‘કોન્ટા એરિયા કમિટી’ ના સચિવ સચિન મંગડૂને ઠાર કરવાની છે. ઘટનાસ્થળેથી સુરક્ષા દળોએ AK-47 અને ઇન્સાસ જેવી અત્યાધુનિક ઓટોમેટિક રાઈફલ્સ જપ્ત કરી છે. શુક્રવાર રાતથી જ પલોદી અને પૌટાકપલ્લીના જંગલોમાં સર્ચ ઓપરેશન તેજ કરી દેવામાં આવ્યું હતું.
વર્ષ 2025 થી અત્યારસુધીમાં કુલ 285 નક્સલીઓ ઠાર
બીજી તરફ, બીજાપુર જિલ્લાના દક્ષિણી જંગલોમાં પણ શનિવારે સવારે જોરદાર ફાયરિંગ થયું હતું. DRG ની ટીમે અહીં 2 નક્સલીઓને ઠાર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2025 માં અત્યાર સુધીમાં સુરક્ષા દળોએ 285 નક્સલીઓને ફૂંકી માર્યા છે, જેમાંથી 257 તો માત્ર બસ્તર ડિવિઝનમાં માર્યા ગયા છે.

આ ઓપરેશન માત્ર એન્કાઉન્ટર પૂરતું મર્યાદિત નથી. 20 ડિસેમ્બરે CRPF અને DRG ની સંયુક્ત ટીમે ગોંડપલ્લીના પહાડો પરથી નક્સલીઓના મોટા ઠેકાણાનો પર્દાફાશ કર્યો હતો, જ્યાંથી બોલ્ટ એક્શન રાઈફલ અને સેંકડો જીવતા કારતૂસ મળી આવ્યા હતા. સતત વધતા દબાણને કારણે હવે નક્સલીઓ પીછેહઠ કરવા મજબૂર બન્યા છે.
એટલે કે જોઈએ તો,સુરક્ષા દળોની આ આક્રમક કાર્યવાહીથી સ્પષ્ટ છે કે બસ્તરના જંગલોમાં હવે નક્સલવાદના દિવસો ગણાઈ રહ્યા છે.