Supreme Court Verdict: સુપ્રીમ કોર્ટે દેશની તમામ શાળાઓ માટે અત્યંત મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. હવે દરેક સ્કૂલમાં વિદ્યાર્થિનીઓને મફત સેનિટરી પેડ અને અલગ ટોયલેટની સુવિધા આપવી ફરજિયાત રહેશે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ સુવિધા દરેક દીકરીનો મૂળભૂત અધિકાર છે.
દરેક સ્કૂલ માટે કડક સૂચના
દીકરીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને આ આદેશ આપવામાં આવ્યો છે. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને આર. મહાદેવનની બેન્ચે તમામ રાજ્યોને આદેશ આપ્યો છે કે દરેક શાળાએ વિદ્યાર્થિનીઓને મફતમાં બાયોડિગ્રેડેબલ સેનિટરી પેડ આપવા પડશે. આ સાથે જ છોકરાઓ અને છોકરીઓ માટે અલગ-અલગ ટોયલેટ હોવા પણ અનિવાર્ય છે. દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પણ અનુકૂળ શૌચાલય બનાવવાની સૂચના આપવામાં આવી છે.

નિયમનું ઉલ્લંઘન ભારે પડશે
કોર્ટે ખાનગી શાળાઓને કડક ચેતવણી પણ આપી છે.

જો કોઈ પ્રાઈવેટ સ્કૂલ અલગ ટોયલેટ કે સેનિટરી પેડ આપવામાં નિષ્ફળ જશે, તો તેની માન્યતા રદ કરી દેવામાં આવશે. આ સુવિધાઓ પૂરી પાડવામાં સરકારી શાળાઓની બેદરકારી બદલ સરકારને પણ જવાબદાર ઠેરવવામાં આવશે.
માસિક ધર્મ સ્વાસ્થ્ય એ જીવનનો અધિકાર
સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે માસિક ધર્મ સ્વાસ્થ્ય એ બંધારણ દ્વારા આપવામાં આવેલા જીવનના મૂળભૂત અધિકારનો એક ભાગ છે. આ સુવિધાઓના અભાવે ઘણી છોકરીઓ શિક્ષણ છોડી દે છે. કોર્ટે કેન્દ્ર સરકારની ‘મેન્સ્ટ્રુઅલ હાઈજીન પોલિસી’ને સમગ્ર દેશમાં કડક રીતે લાગુ કરવા પર ભાર મૂક્યો છે.
ઐતિહાસિક ચુકાદાની પૃષ્ઠભૂમિ
આપણને જણાવી દઈએ કે,જયા ઠાકુર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર કોર્ટે આ નિર્ણય લીધો છે. ધોરણ 6 થી 12 ની વિદ્યાર્થિનીઓ માટે આ સુવિધાઓ સુનિશ્ચિત કરવા માંગ કરવામાં આવી હતી. આ આદેશથી હવે દેશભરની કરોડો વિદ્યાર્થિનીઓને સુરક્ષિત અને સ્વચ્છ વાતાવરણમાં શિક્ષણ મેળવવાની તક મળશે.