Foregin Minister Speaks: પુણેમાં એક કાર્યક્રમ દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકરે વૈશ્વિક પરિદ્રશ્ય પર મોટું નિવેદન આપતા જણાવ્યું કે, હવે વિશ્વમાં શક્તિનું સંતુલન બદલાઈ ગયું છે અને સત્તાના અનેક કેન્દ્રો ઉભરી આવ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે હવે કોઈ પણ દેશ, પછી ભલે તે ગમે તેટલો શક્તિશાળી હોય, તે પોતાની મરજી અન્ય પર થોપી શકશે નહીં. જયશંકરના મતે, આજનું વિશ્વ પરસ્પર સહયોગ અને સમાનતાના માર્ગે આગળ વધી રહ્યું છે જ્યાં એકહથ્થુ શાસનનો યુગ સમાપ્ત થયો છે.”
વૈશ્વિક શક્તિ સંતુલનમાં આવ્યો મોટો બદલાવ
વિદેશ મંત્રી એસ. જયશંકરે વૈશ્વિક શક્તિ સંતુલનમાં આવેલા ફેરફારો પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, હવે વિશ્વમાં સત્તા અને પ્રભાવના અનેક કેન્દ્રો ઉભરી આવ્યા છે. હવે કોઈ પણ દેશ, પછી ભલે તે ગમે તેટલો શક્તિશાળી કેમ ન હોય, તે તમામ મુદ્દાઓ પર પોતાની મરજી અન્ય પર થોપી શકશે નહીં. તેમણે આ નિવેદન પુણેમાં સિમ્બાયોસિસ ઇન્ટરનેશનલ (ડીમ્ડ યુનિવર્સિટી) ના 22માં દીક્ષાંત સમારોહને સંબોધિત કરતી વખતે આપ્યું હતું.
વિશ્વમાં હવે અનેક તાકતવર દેશો
જયશંકરે કહ્યું કે વૈશ્વિક આર્થિક અને રાજકીય સંતુલનમાં મોટા ફેરફારો થયા છે. હવે વિશ્વમાં એવા ઘણા શક્તિશાળી દેશો છે જે પોતાની દિશા અને નીતિઓ જાતે નક્કી કરી રહ્યા છે. આ પરિવર્તન દર્શાવે છે કે હવે કોઈ એક દેશ સર્વેસર્વા નથી. દરેક દેશ પાસે આજે પોતાનો અવાજ અને શક્તિ છે, જેના કારણે વિશ્વમાં એક સ્વાભાવિક સ્પર્ધા અને સંતુલન જળવાય છે.
નવું વૈશ્વિક પરિદ્રશ્ય ભારત માટે તક
વિદેશ મંત્રીએ વધુમાં એમ પણ ઉમેર્યું કે, પહેલા માત્ર એક કે બે મોટી શક્તિઓનું જ પ્રભુત્વ હતું, પરંતુ હવે આ બદલાવે ઘણા દેશોને શક્તિનો હિસ્સો બનાવ્યા છે. આનો અર્થ એ છે કે વૈશ્વિક રાજનીતિ અને અર્થતંત્રમાં વિવિધતા આવી છે અને વિવિધ દેશો વચ્ચે સમાનતાની ભાવના વિકસી રહી છે. જયશંકરે એમ પણ કહ્યું કે આ નવું વૈશ્વિક વાતાવરણ ભારતની નીતિઓ માટે એક સુવર્ણ તક છે. તેમણે યુવાનોને આ બદલાતા વૈશ્વિક માહોલને સમજવા અને ભવિષ્યના પડકારોનો સામનો કરવા તૈયાર રહેવા આહ્વાન કર્યું હતું.