Boy Swaps Family Gold for Momos: ઉત્તર પ્રદેશના દેવરિયામાં એક હેરાન કરી દેનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક સ્કૂલના વિદ્યાર્થીને મોમો ખવડાવવાની લાલચ આપીને 85 લાખના દાગીના પડાવી લેવાયા. જો કે આ મામલે પોલીસે બે દુકાનદારોની ધરપકડ કરી છે અને આગળની તપાસ શરુ કરી છે.

શું છે ઘટનાની વિગતો ?
ઘટના ઉત્તર પ્રદેશના નાના ગામની છે.જ્યાં મોમો વેચનારા ઠગોએ એક માસૂમ બાળકને મોમોની લાલચ આપીને 85 લાખ ઠગી લીધા હતા. આ ઘટનાએ બધાને આશ્ચ્રમાં મૂકી દીધા છે. ઘટનાની વિગતો જોતા દેવરિયાના ડુમરી ચોક પાસે ત્રણ યુવકો મોમોનો સ્ટોલ ચલાવતા હતા. આ યુવકોએ ધોરણ 7 માં ભણતા એક બાળક સાથે મિત્રતા કરી. બાળકને મોમો ખાવાની ખૂબ આદત હતી. દુકાનદારોએ આ વાતનો ગેરફાયદો ઉઠાવ્યો. તેઓએ મિત્રતાની જાળમાં ફસાવી એક શરત મૂકી કે એક પ્લેટ મોમો ખાવા હોય તો ઘરેથી ઘરેણાં લાવવા પડશે. માસૂમ બાળક લાલચમાં આવી ગયો. તે દરરોજ ઘરની તિજોરીમાંથી દાગીના ચોરીને તેમને આપવા લાગ્યો.
આ છેતરપિંડીનો ખુલાસો ત્યારે થયો જ્યારે બાળકની ફોઈએ પોતાના દાગીના માંગ્યા. પરિવારે જ્યારે કબાટ ખોલ્યો તો બધા દાગીના ગાયબ હતા. પૂછપરછ દરમિયાન બાળકે રડતા રડતા બધી હકીકત જણાવી. બાળકના પિતા વિમલેશ મિશ્રાએ તરત જ પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસે કાર્યવાહી કરીને બે આરોપીઓને પકડી પાડ્યા છે. હવે પોલીસ એ તપાસ કરી રહી છે કે આરોપીઓએ આટલા બધા દાગીના ક્યાં છુપાવ્યા છે. આ કિસ્સો વાલીઓ માટે લાલબત્તી સમાન છે.