પશ્ચિમ મધ્ય રેલવેએ ભોપાલ રેલવે સ્ટેશન પર નવી સુવિધા શરૂ કરી છે. પશ્ચિમ મધ્ય રેલવેએ અહીં ‘ઓન પેમેન્ટ ટી’ યોજના શરૂ કરી છે. તેની ખાસ વાત એ છે કે ઉચ્ચ શિક્ષિત છોકરીઓ મુસાફરોને ચા પીવડાવતી જોવા મળશે. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, ‘ઓન પેમેન્ટ ટી’ સિસ્ટમમાં મશીન દ્વારા ચાની ગુણવત્તાની તપાસ કરવામાં આવે છે.
જો તમે ક્યારેય ભોપાલ રેલ્વે સ્ટેશન પર જાઓ છો, તો તમને પ્લેટફોર્મ નંબર 3 પર જોવા મળશે કે, B.Sc અને B.Tech સાથે ઉચ્ચ શિક્ષિત છોકરીઓ કેપ અને લાલ ટી-શર્ટ પહેરીને થર્મોસમાં ચા વેચતી જોવા મળશે. આમાંની મોટાભાગની છોકરીઓએ B.Tech અને B.Sc કર્યું છે. જ્યારે કેટલીક છોકરીઓએ ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મેળવ્યું છે.
ભોપાલ દેશનું પહેલું એવું રેલવે સ્ટેશન છે, જ્યાં ઉચ્ચ શિક્ષિત છોકરીઓ ચા વેચતી જોવા મળે છે. આ યુવતીઓને વેન્ડર લાયસન્સ પણ મળી ગયું છે. સૌથી મહત્વની બાબત એ છે કે તેમની ચા ખૂબ જ ઉચ્ચ ગુણવત્તાની છે. આ યુવતીઓ દેશની પ્રતિષ્ઠિત ચા કંપની માટે કામ કરે છે. આ છોકરીઓ ચા બનાવવા માટે સીલબંધ પાણીનો ઉપયોગ કરે છે.
જે મશીન દ્વારા આ ચાની ગુણવત્તા ચકાસવામાં આવે છે તેમાં સેન્સર ફીટ કરવામાં આવે છે. આ સેન્સર દ્વારા જ ચાની ગુણવત્તા જાહેર થાય છે. રેલવે અધિકારીઓએ આ યુવતીઓને એક કંપની દ્વારા ચા વેચવાનું કામ સોંપ્યું છે. અહીં કામ કરતી પ્રોફેશનલ ડિગ્રી હોલ્ડર છોકરીઓને ચા વેચવામાં કોઈ શરમ નથી.