History Of Budget: ફેબ્રુઆરી મહિનો નજીક આવી રહ્યો છે અને સમગ્ર દેશની નજર હવે 1st ફેબ્રુઆરી 2026 ના રોજ રજૂ થનારા કેન્દ્રીય બજેટ પર છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ પીએમ મોદીના ત્રીજા કાર્યકાળનું બીજું પૂર્ણ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. હલવા સેરેમની સાથે બજેટની તૈયારીઓ તો શરૂ થઈ ગઈ છે, પણ શું તમે જાણો છો કે ભારતનું સૌથી પહેલું બજેટ કોણે રજૂ કર્યું હતું? આઝાદીના દાયકાઓ પહેલા, જ્યારે અંગ્રેજોનું શાસન હતું, ત્યારે એક બ્રિટિશ અર્થશાસ્ત્રીએ ભારતમાં ઈન્કમ ટેક્સ અને ઓડિટ સિસ્ટમનો પાયો નાખ્યો હતો. ‘ટેક્સ માસ્ટર’ જેમ્સ વિલ્સને શરૂ કરેલા બજેટની પાછળના ઇતિહાસની રોચક કહાની શું છે ..આવો જાણીએ ..

આર્થિક દસ્તાવેજનો ઈતિહાસ 165 વર્ષ જૂનો
વર્ષ 2026 ના કેન્દ્રીય બજેટની ગણતરી શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનનું આ આઠમું બજેટ હશે, જેના પર ઉદ્યોગ જગતથી લઈને સામાન્ય માણસ સુધી સૌની આશા ટકેલી છે. બજેટની ગુપ્તતા જાળવવા માટે લોક-ઈન પિરિયડ પણ શરૂ થઈ ગયો છે. પરંતુ તમને ખબર છે કે, ભારતના આ આર્થિક દસ્તાવેજનો ઈતિહાસ 165 વર્ષ જૂનો છે.
ભારતીય બજેટનો ઈતિહાસ અને ‘ટેક્સ‘ના જનક
ભારતનું સૌથી પહેલું કેન્દ્રીય બજેટ 7 એપ્રિલ 1860 ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. તેને રજૂ કરનાર વ્યક્તિ હતા ‘જેમ્સ વિલ્સન’. જેમ્સ વિલ્સન માત્ર ઇન્ડિયન કાઉન્સિલના સભ્ય જ નહોતા, પરંતુ તેઓ પ્રખ્યાત મેગેઝિન ‘ધ ઇકોનોમિસ્ટ’ના સ્થાપક પણ હતા. 1857 ના વિપ્લવ પછી ભારતની ડગમગતી અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે બ્રિટિશ મહારાણી વિક્ટોરિયાએ વિલ્સનને ખાસ ભારત મોકલ્યા હતા.
જેમ્સ વિલ્સનને ભારતમાં ઈન્કમ ટેક્સ એટલે કે આવકવેરાના જનક માનવામાં આવે છે. તેમણે જ ભારતમાં પેપર કરન્સી એટલે કે કાગળની ચલણી નોટો અને એક મજબૂત ઓડિટ સિસ્ટમની શરૂઆત કરી હતી. વિલ્સને તે સમયે જૂના અને બિનઅસરકારક લાયસન્સ ટેક્સને નાબૂદ કરીને આધુનિક ટેક્સ માળખું અમલી બનાવ્યું હતું.
બજેટમાં રાખવામાં આવ્યું હતું મધ્યમ વર્ગનું ધ્યાન
રસપ્રદ વાત એ છે કે, આઝાદી પહેલાના એ પ્રથમ બજેટમાં પણ સામાન્ય લોકોનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. જેમ્સ વિલ્સને જોગવાઈ કરી હતી કે જેમની વાર્ષિક આવક 200 રૂપિયાથી ઓછી છે, તેમને કોઈ ટેક્સ આપવો પડશે નહીં. જોકે, આ ઐતિહાસિક પાયો નાખ્યાના થોડા જ મહિનાઓમાં ઓગસ્ટ 1860 માં કોલકાતામાં બીમારીના કારણે તેમનું નિધન થયું હતું.

જેમ્સ વિલ્સને જે પાયો નાખ્યો હતો, તે આજે પણ ભારતીય અર્થતંત્રનું મૂળ છે. હવે જોવાનું એ રહેશે કે 2026 ના બજેટમાં નિર્મલા સીતારમણ સામાન્ય માણસ માટે ટેક્સમાં કેવી રાહત આપે છે.