Gautam Gambhir: શું ટીમ ઈન્ડિયાના હેડ કોચ પદ પરથી ગૌતમ ગંભીરની વિદાય નક્કી છે? દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં મળેલી કારમી હાર બાદ BCCI હવે એક્શન મોડમાં જણાય છે. અહેવાલો મુજબ, ગંભીરના ભાવિ પર હવે સવાલો ઉઠી રહ્યા છે અને બોર્ડે ટેસ્ટ ટીમના કોચિંગ માટે એક દિગ્ગજ ખેલાડીનો સંપર્ક પણ કર્યો છે. આ મોટા સમાચારને કારણે ક્રિકેટ જગતમાં ભારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
ભારતીય ટીમને તાજેતરમાં દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. બે મેચની આ શ્રેણીમાં ભારતનો 0-2 થી પરાજય થયો હતો. જોકે, ત્યારબાદ ભારતે વનડે અને T 20 શ્રેણી જીતીને વાપસી કરી હતી, પરંતુ ટેસ્ટમાં મળેલી હાર બાદ ગૌતમ ગંભીરના ‘રેડ બોલ’ કોચિંગ પર સવાલો ઉઠવા લાગ્યા હતા. હવે અહેવાલમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના એક વરિષ્ઠ અધિકારીએ વીવીએસ લક્ષ્મણનો સંપર્ક કરીને ટેસ્ટ કોચ બનવા અંગે તેમનો મત જાણવાનો પ્રયાસ કર્યો હતો.
સફેદ બોલમાં સફળતા પણ લાલ બોલમાં સંકટ
મર્યાદિત ઓવરોની રમતમાં ગૌતમ ગંભીરનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. તેમના કોચિંગ હેઠળ ભારત ચેમ્પિયન્સ ટ્રોફી અને ACC ટ્રોફી જીતવામાં સફળ રહ્યું છે. પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં રેકોર્ડ તેટલો પ્રોત્સાહક નથી. અહેવાલો મુજબ, દક્ષિણ આફ્રિકા સામે ભારતીય ટીમના ‘આત્મસમર્પણ’ બાદ તરત જ બોર્ડના પ્રભાવશાળી સભ્યએ અનૌપચારિક રીતે વીવીએસ લક્ષ્મણનો સંપર્ક કર્યો હતો. બોર્ડ એ જાણવા માંગતું હતું કે શું લક્ષ્મણ ટેસ્ટ ટીમના કોચ બનવા માટે ઉત્સુક છે. જોકે, લક્ષ્મણે હાલમાં બેંગલુરુ સ્થિત ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ (NCA) ના વડા તરીકે રહેવાનું જ પસંદ કર્યું છે.
ગંભીરનું કોચિંગ કરિયર અનિશ્ચિતતાના વમળમાં
ગૌતમ ગંભીરનો BCCI સાથેનો કરાર 2027 ના વનડે વર્લ્ડ કપ સુધીનો છે. પરંતુ પાંચ અઠવાડિયા પછી શરૂ થનારા T 20 વર્લ્ડ કપમાં ભારતના પ્રદર્શનના આધારે આ કરાર પર ફરીથી વિચાર કરવામાં આવી શકે છે. BCCI માં અત્યારે એ વાત પર મંથન ચાલી રહ્યું છે કે શું ગંભીર ‘વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27’ ની બાકીની 9 ટેસ્ટ મેચો માટે યોગ્ય કોચ છે. ભારતને હવે 2026 માં શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ રમવાની છે, જ્યારે 2027 માં ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે પાંચ મેચોની મહત્વની શ્રેણી યોજાવાની છે. આ સ્થિતિમાં ટેસ્ટ કોચ તરીકે ગંભીરનું ભાવિ અત્યારે જોખમમાં જણાય છે.

ગૌતમ ગંભીરના ટેસ્ટ કોચિંગ પર લટકતી તલવાર
ડ્રેસિંગ રૂમમાં અસુરક્ષા અને BCCI નું મંથન
BCCI ના એક સૂત્રએ નામ ન આપવાની શરતે પીટીઆઈ (PTI) ને જણાવ્યું હતું કે, “ગંભીરને ભારતીય ક્રિકેટના સત્તાધારી વર્તુળોમાં મજબૂત ટેકો પ્રાપ્ત છે. સ્વાભાવિક છે કે જો ભારત ટી૨૦ વર્લ્ડ કપનો ખિતાબ જાળવી રાખે અથવા ઓછામાં ઓછું ફાઈનલ સુધી પહોંચે, તો તેઓ કોઈપણ અવરોધ વગર પોતાનું કામ ચાલુ રાખશે. જોકે, ગંભીર ટેસ્ટ ફોર્મેટમાં પણ કોચ તરીકે ચાલુ રહેશે કે કેમ તે જોવું રસપ્રદ રહેશે.” સૂત્રએ વધુમાં ઉમેર્યું કે, “તેમના પક્ષમાં એક જ વાત છે કે હાલમાં ટેસ્ટ ફોર્મેટ માટે બોર્ડ પાસે કોઈ મજબૂત વિકલ્પ નથી, કારણ કે વીવીએસ લક્ષ્મણ સિનિયર ટેસ્ટ ટીમના કોચ બનવામાં રસ ધરાવતા નથી.
ડ્રેસિંગ રૂમમાં અસુરક્ષાની ભાવના
ભારતીય ટીમનું ડ્રેસિંગ રૂમ હાલમાં એક મૂંઝવણભરી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. રાહુલ દ્રવિડના કાર્યકાળમાં ખેલાડીઓ જે પ્રકારની સુરક્ષા અનુભવતા હતા, તેની સરખામણીએ ગંભીરના યુગમાં ઘણા ખેલાડીઓ અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે. દ્રવિડના ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન ખેલાડીઓને પોતાની ક્ષમતા સાબિત કરવા માટે લાંબી તકો આપવામાં આવતી હતી.
શુભમન ગીલની બાદબાકીથી ફફડાટ
T 20 વર્લ્ડ કપની ટીમમાંથી શુભમન ગીલની બાદબાકીમાં ગૌતમ ગંભીરની સ્પષ્ટ છાપ જોવા મળે છે. આ નિર્ણયે ચોક્કસપણે ટીમના અન્ય ખેલાડીઓમાં એવો ડર પેદા કર્યો છે કે જો ભારતીય ક્રિકેટના ‘આગામી પોસ્ટર બોય’ (શુભમન ગીલ) ને પણ ટીમમાંથી બહાર કરી શકાતો હોય, તો ભવિષ્યમાં પ્રદર્શનમાં સહેજ પણ ચૂક થશે તો તેમનો વારો પણ આવી શકે છે.