આજે તંત્ર ફરી એકવાર ફેલ થયું છે અને ગુજરાતમાં પેપર લીક થવાનો સિલસિલો યથાવત રહ્યો છે. અગાઉ પણ પેપર લીક થવાની ઘટનાઓ સામે આવી ચુકી છે. જ્યારે ફરી એકવાર પેપર લીક થવાની ઘટના સામે આવતો મહેનત કરતા ઉમેદવારોમાં ભારે નારાજગી જોવા મળી છે.
ઉમેદવારો ભાવુક થઈ ગયા. ઉમેદવારોએ આજની આ ઘટના અંગે પોતાની વ્યથા વ્યક્ત કરી કે ‘અમે પરીક્ષા માટે બે વર્ષથી તૈયારી કરી રહ્યા હતા. અમે છેક પાલીતાણા અને ભાવનગરના ગામડામાંથી અહીં પરીક્ષા આપવા માટે આવ્યા છીએ. અમારા વાલીઓ અમને કાળી મજૂરી કરીને ભણાવે છે. પૈસાવાળી પાર્ટી છે એ પેપર ફોડી નાખે છે. સાહેબ ભરતી નહીં આવે તો ચાલશે પણ પેપર ફૂટવા ન જોઈએ…
પેપર ફૂટવાનું લિસ્ટ જોઈને તમને પણ એવું જ લાગશે કે ગુજરાતમાં પેપર ફૂટવા સિવાય બીજું કંઈ થયું જ નથી કે શું? કારણ કે લીસ્ટ બહુ લાંબુ છે… જુઓ ગુજરાતમાં ક્યારે ક્યારે પેપર ફૂટ્યા?
2014- રેવન્યુ તલાટીની ભરતી
2014- ચીફ ઓફિસર
2015- તલાટીની પરીક્ષા
2018- મુખ્ય સેવિકાની પરીક્ષા
2018- નાયબ ચિટનીસની પરીક્ષા
2018- લોક રક્ષક દળ
2018- શિક્ષકોની ભરતી પૂર્વેની કસોટી TAT
2019- બિન સચિવાલય ક્લાર્ક
2021- હેડ ક્લાર્ક
2021- DGVCLમાં વિદ્યુત સહાયકની ભરતી
2021- સબ-ઓડિટર
2022-વનરક્ષકનું પેપર ફૂટ્યું
2022- જૂનિયર કલાર્ક
ઘણા વિદ્યાર્થીઓ છેક કાઠિયાવાડમાંથી અમદાવાદ સુધી પેપર આપવા માટે ધક્કો ખાતા હોય છે. એવા જ એક ઉમેદવારેપોતાનું દુખ કહ્યું હતું કે સાહેબ, અમે કાલ સાંજના ઘરેથી નીકળ્યા છીએ. રાત્રે બે વાગ્યે અમે અહીં પહોંચી ગયા હતા. અમે આખી રાતના ઠંડીમાં ઉજાગરા કરીને પેપર આપવા માટે આવ્યા છીએ. અહીં પહોંચ્યા બાદ વહેલી સવારે અમને સમાચાર મળ્યા કે પેપર લીક થવાના કારણે પરીક્ષા રદ કરવામાં આવી છે. વિચારો અમને કેટલી વેદના થતી હશે અને હવે અમે કોના સહારે આશા રાખી શકીએ.