નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જાેંગ ઉન સિવાય એક કબુતર જેનું નામ પણ સંયોગથી કિમ છે, તે ચર્ચામાં છે. ચર્ચામાં આવવાનું કારણ છે કે કિમ વિશ્વનું સૌથી મોંઘુ કબુતર બની ચુક્યુ છે. ઘણા લોકોને આ એક મજાક લાગી શકે છે પરંતુ તે સત્ય છે. મહત્વનું છે કે ફિમેલ કબુતર ૧૪ કરોડમાં વેચાયુ છે. આ કબુતરને ચીનના એક વ્યક્તિએ હરાજીમાં સૌથી વધુ બોલી લગાવી જીત્યુ છે. આ કબુતર એક નિવૃત્ત રેસિંગ માદા કબુતર છે.
આ કબુતરનું નામ કિમ છે અને તે બે વર્ષનું છે, જે દુનિયાનું સૌથી મોંઘુ કબુતર બની ચુક્યુ છે. આ શાનદાર રેસર ૨૦૧૮માં ઘણી સ્પર્ધામાં વિજેતા રહી ચુક્યુ છે. નેશનલ મિડલ ડિસ્ટેન્સ રેસની વિજેતા માદા કબુતરની ગતિ જાેરદાર છે. મહત્વનું છે કે ઘણા લોકો નર કબુતરો માટે ઉંચી બોલી લગાવે છે પરંતુ માદા કબુતરની આટલી મોટી કિંમત ખરેખર ચોંકાવનારી છે. ચીનમાં કબુતરોની રેસ એક ટ્રેન્ડ બની રહ્યો છે.
મહત્વનું છે કે માદા રેસિંગ કબુતરોનો સારા રેસર કબુતર પેદા કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ ઈતિહાસમાં પ્રથમવાર કોઈએ માદા કબુતર પર આટલી મોટી બોલી લગાવી છે. કિમે આર્મંડો પાસેથી વિશ્વના સૌથી મોંઘા કબુતરનો ખિતાબ છીનવી લીધો છે. હકીકતમાં આર્મંડો પર ૨૦૧૯માં ૧.૨૫ મિલિયન યુરોની બોલી લગાવી હતી, જે કિમ પર લગાવવામાં આવેલી બોલીથી ૧.૬ મિલિયન યુરો ઓછા છે.