એક માણસ પેશાબમાં લોહીની સમસ્યાથી ઝઝૂમી રહ્યો હતો. પરંતુ જ્યારે તે ડોક્ટરો પાસે ચેકઅપ માટે ગયો તો સત્ય જાણીને તે ચોંકી ગયો. તેના શરીરમાં અંડાશય અને ગર્ભાશય મળી આવ્યા હતા. આટલું જ નહીં, તેને 20 વર્ષથી પીરિયડ્સ ચાલી રહ્યા હતા. ડોક્ટરોએ કહ્યું કે જૈવિક રીતે તે સ્ત્રી છે. આ મામલો ચીનના સિચુઆન પ્રાંતનો છે. તપાસ કરનાર ડોકટરોએ જણાવ્યું હતું કે ચેન લી (નામ બદલ્યું છે) પુરુષના જનન અંગો હોવા છતાં સ્ત્રી જાતિના રંગસૂત્રો તેમજ અંડાશય અને ગર્ભાશય સાથે જન્મ્યા હતા.
રિપોર્ટ અનુસાર 33 વર્ષીય ચેન લીના પેશાબમાંથી લોહી આવતું હતું. તે તેની તપાસ માટે ડોક્ટરો પાસે ગયો. ચેકઅપમાં જાણવા મળ્યું કે વાસ્તવમાં તેને પીરિયડ્સ ચાલી રહ્યું હતું, જેના કારણે તેના પેશાબમાંથી લોહી આવી રહ્યું હતું. આ સિલસિલો છેલ્લા 20 વર્ષથી ચાલતો હતો. આ જાણ્યા બાદ ડોક્ટરો પણ સ્તબ્ધ થઈ ગયા હતા.
ડોક્ટરોએ પહેલા વિચાર્યું કે ચેન લીના પેટમાં દુખાવો એપેન્ડિસાઈટિસ છે. પરંતુ સારવાર બાદ પણ દુખાવો ઓછો ન થતાં તબીબોએ ફરીથી તેની ઊંડી તપાસ કરી અને સાચું કારણ જાણવા મળ્યું. રિપોર્ટ અનુસાર ચેન લીને 20 વર્ષથી વધુ સમયથી પેશાબમાં લોહીની સમસ્યા હતી અને દર મહિને તેમના પેટમાં દુખાવો થતો હતો. જોકે, ગયા મહિને ડોક્ટરોએ તેના શરીરમાંથી અંડાશય અને ગર્ભાશયને કાઢવા માટે 3 કલાકની સર્જરી કરી હતી.
સર્જન લુઓ ઝિપિંગે જણાવ્યું કે ચેન લી બિલકુલ સ્વસ્થ છે અને હાલ તેઓ બેડ રેસ્ટ પર છે. તે જલ્દી જ માણસની જેમ સામાન્ય જીવન જીવી શકશે. જો કે, ચેન લી સંતાન પ્રાપ્ત કરી શકશે નહીં કારણ કે તેના અંડકોષ શુક્રાણુ ઉત્પન્ન કરતા નથી.