મધ્ય પ્રદેશનાના ગ્વાલિયરની રહેવાસી પ્રિયંકા ગુપ્તાએ જ્યારે ૩,૪૧૯ કરોડ રૂપિયાનું વીજળીનું બિલ મળતા જ તેને ખૂબ મોટો આંચકો લાગ્યો છે. વીજળીના બિલની રકમ સાંભળતા જ તેમના સસરાની તબિયત લથડી ગઈ હતી. મધ્ય પ્રદેશ સરકાર દ્વારા સંચાલિત વીજ કંપનીએ તેના માટે માનવીય ત્રૂટીને દોષી ઠેરવી છે. આ સાથે જ શિવ વિહાર કોલોનીમાં રહેતા ગુપ્તા પરિવારને રાહત આપતા ૧,૩૦૦ રૂપિયાનું સાચુ બિલ જાહેર કર્યું છે.
ગુપ્તાના પતિ સંજીવ કંકાણેએ જણાવ્યું હતું કે, જુલાઈના વીજળી બિલમાં ઘરેલું વપરાશની રકમ જાેઈને તેમના પિતા બીમાર પડી ગયા હતા.
તેમણે દાવો કર્યો કે, ૨૦ જુલાઈના રોજ જારી કરાયેલું વીજળીનું બિલ મધ્યપ્રદેશ મધ્ય ક્ષેત્ર વિદ્યુત વિતરન કંપનીના પોર્ટલ દ્વારા ક્રોસ વેરિફાઈ કરવામાં આવ્યું હતું, પરંતુ તે સાચું હોવાનું જાણવા મળ્યું હતું. તેમણે કહ્યું કે બાદમાં રાજ્યની વીજળી કંપનીએ બિલમાં સુધારો કર્યો હતો. વીજ કંપનીના જનરલ મેનેજર નીતિન માંગલિકે ભારે વીજ બિલ માટે માનવીય ભૂલને જવાબદાર ઠેરવી હતી અને કહ્યું કે, સબંધિત કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.
તેમણે જણાવ્યું કે, એક કર્મચારીએ સોફ્ટવેરમાં વપરાશમાં લેવાયેલા એકમોને બદલે ગ્રાહક નંબર દાખલ કરી દીધો હતો જેના પરિણામે વધુ બિલ આવ્યું હતું. વીજ ગ્રાહકને ૧,૩૦૦ રૂપિયાનું સાચું બિલ આપવામાં આવ્યું છે. એમપીના ઉર્જા મંત્રી પ્રદ્યુમન સિંહ તોમરે કહ્યું કે, ભૂલને સુધારી લેવામાં આવી છે અને સબંધિત કર્મચારીની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.