ફરી એકવાર હોસ્પિટલની બેદરકારીને કારણે દર્દીઓને ભોગવવાનો વારો આવ્યો છે. હોસ્પિટલની ધોર બેદરકારીનો આ મામલો સામે આવ્યો છે અમરેલીની શાંતાબા હોસ્પિટલથી.
અહી મોતિયાના ઓપરેશન બાદ 25 દર્દીની આંખોની રોશની જતી રહી હોવાના સમાચાર બાદ હોબાળો મચ્યો છે. જો કે આ મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું કહેવુ છે કે શાંતા બા મેડિકલ હોસ્પિટલમાં 4 દિવસમા 17 ઓપરેશન થયા હતાં જેમાં 17 ઓપરેશનમાંથી 12 દર્દીઓને ઈન્ફેક્શન થયું છે.
આ અંગે માહિતી આપતા તેમણે કહ્યું કે, સુડો મોનાર્ક બેક્ટેરિયાના કારણે ઈન્ફેક્શન થયુ હોવાનુ સામે આવ્યુ છે અને હાલ બે દર્દીઓ સાજા પણ થઈ ગયા છે. આ સિવાય 6 દર્દીઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલમા અને 2 દર્દીઓને નગરી, 2 ભાવનગર, 2 રાજકોટ હોસ્પિટલમાં મોકલાયા છે. આ મામલે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ આર એમ જીતિયાએ જણાવ્યું છે કે, આંખના ઓપરેશન બાદ દર્દીઓને ફોલોપ માટે બોલાવવામાં આવે છે પણ અમુક દર્દીઓએ આવ્યા નહી.
સુપ્રિન્ટેન્ડન્ટ આર એમ જીતિયાએ કારણ જણાવતા કહ્યુ કે દર્દીઓએ આ ફોલોપ ન લીધો હોવાના કારણે આંખમાં ઇન્ફેક્શન થયુ છે. 7થી 8 દર્દીઓને બહાર સારવાર અર્થે મોકલાયા છે. દર્દીઓએ ઓપરેશન બાદ કાળજી લેવાની હોય છે અને કાળજી ન લેતા ઇન્ફેક્શન થયુ છે.