ગુજરાતમાં છેલ્લા એકાદ અઠવાડિયાથી એક બાદ એક ડ્રગ્સની દાણચોરીનાં અનેક બનાવો સામે આવ્યા છે. આ વચ્ચે આજે રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને ખુલાસો કરવામાં આવ્યો હતો કે, આજે ગુજરાત એટીએસ અને ડીઆરઆઈની ટીમ દ્વારા સંયુક્ત કામગીરી કરીને અમરેલીના પીપાવાવ પોર્ટ પરથી અંદાજે ૮૦થી ૯૦ કિલો હેરોઈનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
આ ડ્રગ્સની માર્કેટમાં કિંમત ૪૫૦ કરોડ રૂપિયા હોવાનું પણ આશિષ ભાટિયાએ જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓએ એમ પણ જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયામાં અંદાજે ૪૩૬ કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે, જેની કુલ કિંમત અંદાજે ૨૧૮૦ કરોડ રૂપિયા જેટલી થાય છે.