અશોક મણવર ( અમરેલી )
અમરેલીના લાઠી તાલુકામાં નવા ચુંટાયેલા સરપંચ અને સભ્યોને સન્માનિત કરવા માટે સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. કોંગ્રેસ સમિતિ દ્વારા કૃષ્ણગઢ ગામે આવેલ હડમતિયા હનુમાનજી મંદિરના સાનિધ્યમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. લાઠી-બાબરાના ધારાસભ્ય વિરજી ઠુંમરનાં અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં આગેવાનો, કાર્યકરો તેમજ ચુંટાયેલા સરપંચ તેમજ ગ્રામ પંચાયતનાં સદસ્યોએ હાજરી આપી હતી. આ તકે ઉપસ્થિત રહેલ તમામનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
સન્માન સમારોહના આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા કોંગ્રેસનાં પુર્વ પ્રમુખ શંભુ દેસાઇ, જિલ્લા કોંગ્રેસનાં પુર્વ પ્રમુખ અર્જુન સોસા, જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ જીતુ વાળા, જિલ્લા પંચાયતનાં વિરોધપક્ષના નેતા પ્રભાત કોઠીવાલ, અમરેલી નગરપાલિકાના પુર્વ પ્રમુખ રફીક મોગલ, લીલીયા તાલુકા પંચાયતના પ્રમુખ બહાદૂર બેરા તેમજ જિલ્લા કોંગ્રેસ સમિતિનાં ઉપપ્રમુખ કે.કે.વાળાએ પ્રસંગને અનુરૂપ પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમજ ચુંટાયેલ સરપંચ અને ગ્રામ પંચાયતનાં સદસ્યોનું શાલ ઓઢાડી પુષ્પ ગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું. સન્માન સમારોહમાં લાઠી તાલુકાની ૩૬ ગ્રામ પંચાયતોની થયેલ ચુંટણી પૈકી ૨૬ ગામનાં સરપંચ તેમજ સદસ્યોઉપસ્થિત રહ્યા હતાં.