મૌલિક દોશી, અમરેલી: બગસરા તાલુકાના કડાયા ગામની સીમમાં ભાગવી વાડી રાખી ખેતીનું કામ કરતા રાજસ્થાની મજૂરની પાંચ વર્ષની બાળકીને રાત્રિના સમયે એક સાવજ ઉપાડી ગયો હતો . એક કિમી દૂર સુધી લઈ જઇ સાવજે બાળકીને ફાડી ખાધી હતી . બાદમાં એકઠા થયેલા ગામલોકોએ સાવજના મોમાંથી બાળકીનો મૃતદેહ છોડાવ્યો હતો . અહીં એક સાવજ માનવભક્ષી બની જતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે .
ત્રણ વર્ષો પહેલા આ વિસ્તારમાં જ માનવભક્ષી દીપડાએ આંતક મચાવ્યો હતો . અને પાંચ લોકોને ફાડી ખાધા હતા . ત્યારબાદ હવે અહીં માનવ ભક્ષી સિંહનો અંત શરૂ થયો છે . અહીં રાત્રિના સમયે સાવજે એક પાંચ વર્ષની બાળકીને ફાડી ખાધી હતી . બગસરા તાલુકાના કડાયા ગામે રાત્રીના સમયે આ ઘટના બની હતી . અહીંના મહેશભાઈ જોરુભાઈ ધાધલની વાડી રાજસ્થાનના સુકરમ નામના યુવાને ભાગવી વાવવા રાખી છે .
તેનો પરિવાર આજે રાત્રીના સમયે વાડીમાં હતો અને પાંચ વર્ષની પુત્રી મકાનની સામે હતી તે સમયે શિકારની શોધમાં આવી ચડેલો સાવજ આ બાળકીને ગળામાંથી પકડી નાસી ગયો હતો .આ અંગે ગામ લોકોને જાણ કરવામાં આવતા લોકોના ટોળેટોળા ઉમટયા હતા અને બાળકની શોધખોળ ચલાવી હતી . એક કિમી દૂર સાવજ આ બાળકીને ફાડી ખાતો નજરે પડ્યો હતો . સાવજ તેને પગના ભાગેથી ખાઈ ગયો હતો .
ગામલોકોએ સાવજના મોમાંથી આ બાળકીનો મૃતદેહ છોડાવ્યો હતો અને બાદમાં વનતંત્રને જાણ કરાઈ હતી . બનાવની જાણ થતા વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા . અહીં સાવજ માનવભક્ષી બનતા રાત્રિના સમયે વાડીમાં કામ કરતા ખેત મજૂરોમાં ફફડાટ ફેલાયો છે . સાથે સાથે વન તંત્ર સામે રોષ પણ જોવા મળી રહ્યો છે . ગામલોકોએ માનવભક્ષી બનેલા સાવજને વનતંત્ર તાબડતોબ પાંજરે પૂરે તેવી માંગ ઉઠાવી હતી . મોડી રાત્રે બાળકીના મૃતદેહને પીએમ માટે બગસરા દવાખાને ખસેડવામા તજવીજ હાથ ધરાઇ હતી .