મૌલિક દોશી, અમરેલી: અમરેલી જિલ્લામાંથી એસપી નિર્લિપ્ત રોયની બદલી થતા જ ફરીથી દેશી દારુની ભઠ્ઠીઓ પુરજોશમાં ધમધમી ઉઠી છે. નવા આવેલા એસપી જિલ્લા વિશે કંઈ સમજે તે પહેલા જ ભ્રષ્ટ પોલીસકર્મીઓએ બુટલેગરોને છુટ્ટો દોર આપી દીધો હોય તેવો માહોલ જોવા મળ્યો છે.
ટૂંકમાં નવા એસપી આવતા જ દેશી દારુની ભઠ્ઠીઓ ધમધમી ઉઠી છે. તેવા સમયે અમરેલીમાં પોલીસે મેગા ઓપરેશન હાથ ધર્યું છે. અને એક સાથે ૧૩૭ જગ્યાએ સાગમટે દરોડા પાડીને મોટી માત્રામાં દેશી દારુનો નાશ કર્યો છે. હવે જોવાનું એ રહ્યું કે, આટલો દારુ ઝડપ્યા બાદ કોની ઉપર શુ કાર્યવાહી થશે ?
ભાવનગર રેન્જ આઇ.જી. અશોકકુમારે દારૂબંધીના કડક અમલ અને દારૂની ગેરકાયદે વેચાણ/સેવન/વહન અટકાવવા રેન્જના જિલ્લાઓની પોલીસને સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ દ્વારા દારૂ ગાળવા માટે ભઠ્ઠી ચલાવવાની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવેલ.
આજરોજ તા.૦૬/૦૫/૨૦૨૨ ના રોજ વહેલી સવારે સ્પેશ્યલ ભઠ્ઠી અંગેની પ્રોહી ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ. આ ડ્રાઇવ દરમિયાન અમરેલી જિલ્લા પોલીસ દ્વારા દારૂ બનાવવા માટે ભઠ્ઠી ચલાવતા ઇસમો ઉપર અલગ અલગ કુલ ૧૩૭ જગ્યાઓએ વહેલી સવારે દરોડા પાડી, દારૂ ગાળવાની ભઠ્ઠીઓ પકડી પાડી, પ્રોહિબીશનની પ્રવૃતિ કરતા ઇસમો સામે કડક કાર્યવાહી કરવામાં આવેલ.
શોધી કાઢેલ કેસોઃ-અમરેલી જિલ્લા પોલીસ દ્વારા સદરહું ડ્રાઇવ દરમ્યાન કુલ ૪૮ કેસો શોધી કાઢવામાં આવેલ છે. પકડાયેલ મુદ્દામાલઃ-અમરેલી જિલ્લા પોલીસ દ્વારા દેશી દારૂ લીટર ૧૨૪, કિં.રૂ.૨,૫૫૮/- તથા આથો લીટર ૭૯૪, કિં.રૂ.૧,૫૮૮/- દારૂ બનાવવા માટે ભઠ્ઠીના સાધનો કિં.રૂ.૯૬૮/- મળી કુલ કિં.રૂ.૫,૧૧૪/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓઃ-
સદરહું ડ્રાઇવ દરમ્યાન દારૂ બનાવવા માટે ભઠ્ઠી ચલાવવાની અને દારૂ વેચાણની પ્રવૃતિ કરતા કુલ ૨૫ આરોપીઓ ને પકડી પાડી તેમની સામે ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
આમ, અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહની સુચના અને માર્ગદર્શન મુજબ દારૂબંધીના કડક અમલ અને દારૂના ગેરકાયદે ઉત્પાદન, વેચાણ, સેવન અને વહન અટકાવવા દારૂ ગાળવા માટે ભઠ્ઠી ચલાવવાની પ્રવૃતિ કરતા ઇસમો સામે અમરેલી જિલ્લા પોલીસ દ્વારા પ્રોહિબીશન ધારા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવેલ છે.