મૌલિક દોશી( અમરેલી )
અમરેલી જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ અને સાંસદ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં ભાજપના ભવ્ય વિજયની ઉજવણી કરવામાં આવી હતી. વિધાનસભાની ચૂંટણીમાં ઉત્તરપ્રદેશ, ઉતરાખંડ, મણિપુર અને ગોવામાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો. ભાજપના ભવ્ય વિજયની ઉજવણી અમરેલી જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરિયા અને, સાંસદ નારણ કાછડિયા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં અમરેલી ખાતે કરવામાં આવી હતી.
ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ આ વિજયના વધામણા કર્યા હતાં. આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની આ કમાલ છે. કેન્દ્ર સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી જે વિકાસના મીઠા ફળો પહોંચ્યા છે તેનું આ પરિણામ છે. સાથે ઉત્તરપ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું નેત્તૃત્વ સર્વમાન્ય બન્યું છે.ભારતીય લોકશાહીના ઈતિહાસમાં પ્રથમ વખત આ ઘટના બની છે કે એક જ વ્યક્તિ ફરી વખત સતત બીજી ટર્મમાં મુખ્યમંત્રી બન્યા હોય. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઉતરાખંડ, મણિપુર અને ગોવામાં પણ ભાજપનું રાષ્ટ્રીય અને જે તે રાજ્યના નિર્ણાયક નેતૃત્વ અને કર્મનિષ્ઠ કાર્યકરોની મહેનતના પરિણામે આ ભવ્ય સફળતા મળી છે. આ તકે, જિલ્લા ભાજપ મહામંત્રી રાજેશ કાબરિયા, શહેર ભાજપ પ્રમુખ ભાવેશ સોઢા, તાલુકા ભાજપ પ્રમુખ ઘનશ્યામ ત્રાપસિયા, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચા મંત્રી મયુર માંજરિયા, પુર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દિનેશ પોપટ, ડો. ભરત કાનાબાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.