વિપુલ ઠક્કર ( ડીસા ): થોડા દિવસ અગાઉ ભાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ડીસા બેઠક ઉપરથી ગોવાભાઇ દેસાઈ ચૂંટણી લડે છે તેવું નિવેદન આપ્યું હતું. જેથી ગેનીબેન ના આ નિવેદનથી અન્ય સમાજના કોંગ્રેસના કાર્યકરોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. આ ઉપરાંત ગઈકાલે શહેર ના રીજમેંટ વિસ્તારમાં પરિવર્તન યાત્રા આવી ત્યાં ઠાકોર સમાજના લોકો દ્વાર યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું. અને તે દરમિયાન ઠાકોર સમાજના લોકોએ કૉંગ્રેસ દ્વાર ડીસા વિધાનસભાની ટિકિટ ઠાકોર સમાજને આપવામાં આવે તેવી માંગ કરી હતી.
ત્યારે મંગળવારે કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રાના આગમન વખતે ડીસા તાલુકાના વાસડા ગામે કોંગ્રેસની પબ્લીક મિટિંગ યોજાઈ હતી. આ સભામાં પ્રદેશ અગ્રણીઓના આગમન પૂર્વે સ્થાનિક કોંગ્રેસના અગ્રણીઓ પ્રકાશભાઈ ભરતિયા અને પી.વી.રાજગોરે તેમના ભાષણોમાં ડીસા બેઠકના ઉમેદવાર ગોવાભાઈ દેસાઈ જ હોવાની જાહેરાત કરી દીધી હતી. હજુ કોંગ્રેસે કોઈ બેઠકના ઉમેદવરોના નામ જાહેર કર્યા નથી અને ગોવાભાઈ દેસાઇની પસંદગીનું પણ કઈ નક્કી નથી છતાં આ આગેવાનોએ કઈ સત્તાથી અથવા તો કોના ઇશારે ગોવાભાઈ દેસાઈનું નામ જાહેર કર્યું તે સવાલ કોંગ્રેસના કાર્યકરો જ નહીં, આમ જનતામાં પણ ખૂબ ચર્ચાસ્પદ બન્યો છે.