એક કંપનીના બોસે તેના તમામ કર્મચારીઓને લગભગ 83-83 હજાર રૂપિયાનું બોનસ આપ્યું છે જેથી તેમના રોજિંદા ખર્ચ પર પેટ્રોલની વધતી કિંમતોથી અસર ન થાય. બોસની આ જાહેરાત બાદ તમામ સ્ટાફે તેમને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું. આ મામલો યુકેના સ્ટોક શહેરનો છે. અહીંની ઇલેક્ટ્રિક મોટર રિપેર શોપના બોસ મેટ ફ્લેચરે જણાવ્યું હતું કે તેઓ તેમના સ્ટાફને પેટ્રોલ અને ગેસના વધતા ભાવને કારણે ઊભી થતી સમસ્યાઓનો સામનો કરવામાં મદદ કરવા માગે છે.
વાતચીતમાં મેટે કહ્યું – અમે સારી સ્થિતિમાં છીએ. છેલ્લા બે વર્ષમાં કંપનીનો ગ્રોથ સારો રહ્યો છે. બધાએ ખૂબ જ મહેનત કરી છે. અમે તેલ અને ગેસના વધતા ભાવ અંગે કંઈ કરી શકતા નથી. પરંતુ અમે અમારા સ્ટાફને તેનો સામનો કરવામાં મદદ કરી શકીએ છીએ. સ્ટાફના લોકો સ્કિલ સંબંધિત કામ કરે છે, તેથી દરેકને સારો પગાર આપવામાં આવે છે. પરંતુ મેનેજમેન્ટ તમામ કર્મચારીઓનું મૂલ્યાંકન કરવા અને તેમને મોંઘવારીનો સામનો કરવામાં મદદ કરવા માગે છે.
મેટે કહ્યું – જ્યારે અમે સ્ટાફને બોનસ વિશે જાણ કરી ત્યારે તેઓ શાંત થઈ ગયા. ત્યારબાદ તેઓએ અમને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું. અમે તેમને સારો પગાર આપીએ છીએ. પરંતુ આ પહેલીવાર છે જ્યારે અમે અમારા કર્મચારીઓને આટલું બોનસ આપ્યું છે.તમને જણાવી દઈએ કે મેટની કંપનીમાં 86 કર્મચારીઓ છે. તમામને 83-83 હજાર રૂપિયા આપવા માટે કંપનીને લગભગ 71 લાખ રૂપિયાનો ખર્ચ થશે.
બોનસ અંગે સ્ટાફે કહ્યું કે તે તેમને ખૂબ મદદરૂપ થશે. ઈલેક્ટ્રોમિકેનિકલ એન્જિનિયર ઈયાન હંટે કહ્યું – જ્યારે અમને બોનસ વિશે માહિતી આપવામાં આવી ત્યારે અમે ચોંકી ગયા. મેન્ટેનન્સ એન્જિનિયર જોન રોએ કહ્યું- તાજેતરમાં મેં ઘર બદલ્યું છે. નવા મકાનનું ભાડું અપેક્ષા કરતાં વધુ છે. પરંતુ હવે તમામ વસ્તુઓના ભાવ આસમાને છે. આ પૈસા અમને ખૂબ મદદરૂપ થશે.