યુએસ-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ (USIBC) એ અદાણી ગ્રુપના સ્થાપક અને ચેરમેન ગૌતમ અદાણીને ગ્લોબલ લીડરશીપ એવોર્ડ આપવાની જાહેરાત કરી છે. શુક્રવારે એક નિવેદનમાં આ માહિતી આપતા USIDCએ જણાવ્યું હતું કે અદાણીને 7 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં યોજાનારી ઈન્ડિયા આઈડિયાઝ સમિટમાં ગ્લોબલ લીડરશિપ એવોર્ડ આપવામાં આવશે.
વિદેશ મંત્રી એસ જયશંકર, નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને યુએસ એનર્જી સેક્રેટરી જેનિફર ગ્રાનહોમ USIBC કોન્ફરન્સમાં હાજરી આપે તેવી અપેક્ષા છે. દ્વિપક્ષીય વ્યાપારી સંબંધોને મજબૂત કરવા તરફના તેમના પ્રયાસોને માન્યતા આપવા માટે 2007 થી ભારત અને યુએસના ટોચના ઉદ્યોગસાહસિકોને આ એવોર્ડ આપવામાં આવે છે.
મળતી માહિતી મુજબ અત્યાર સુધીમા આ એવોર્ડ એમેઝોનના ચીફ જેફ બેઝોસ, ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ, નાસ્ડેકના ચીફ એડેના ફ્રીડમેન, ફેડએક્સ કોર્પોરેશનના ચીફ ફ્રેડ સ્મિથ અને કોટક મહિન્દ્રા બેંકના ચીફ ઉદય કોટક જેવી હસ્તીઓને આપવામાં આવ્યો છે.