ક્રપ્ટો ટ્રેડર સાથે કરોડોના કૌભાંડનો કેસ સામે આવ્યો છે. એક સ્કેમરે ડોમેનિક લૈકોવોન નામના ટ્રેડરનું આઈ ક્લાઉડ એકાઉન્ટ હેક કર્યા બાદ તેમના એકાઉન્ટમાંથી ૬.૫૦ લાખ ડોલર(લગભગ ૪.૯૭ કરોડ રૂપિયા)ની ચોરી કરી છે. આ ઘટનાને અંજામ આપવામાં સ્કેમર્સને માત્ર ૨ જ સેકન્ડ લાગી હતી. ટ્રેડર ડોમેનિક લૈકોવોને ટ્વીટર પર આ ઘટનાની જાણકારી આપી છે. તેણે ૧૫ એપ્રિલના રોજ એક ટ્વીટ શેર કર્યું હતું અને આ ઘટના વિશે જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું કે, સૌથી પહેલા તેમના પર એક ફોન આવ્યો હતો. તેમને લાગ્યું કે સ્કેમ હશે. પરંતુ જ્યારે કોલર આઈડી પર નંબર ચેક કર્યો તો તેમાં એપલ લખ્યું હતું તેથી તેમણે તે નંબર પર કોલ બેક કર્યો હતો. ત્યારબાદ તેમને ફોનમાં મોકલાવેલ કોડ પૂછવામાં આવ્યો હતો. કોડ જણાવ્યાની માત્ર ૨ જ સેકન્ડમાં તેમનું મેટા માસ્ક હટાવી દેવામાં આવ્યું હતું અને એકાઉન્ટમાંથી ૬.૫૦ લાખ ડોલર ગાયબ થઈ ગયા હતા. મેટા માસ્ક ક્રિપ્ટોકરન્સીમાં ટ્રેડ કરવા માટેનું વોલેટ હોય છે.
તેમને એ વાતની જાણકારી નહોતી કે, મેટા માસ્ક આઈફોન દ્વારા આઈ ક્લાઉડ પર ૧૨ ડિજિટની સીડ ફ્રેઝ ફાઈલને પોતાની જાતે જ સ્ટોર કરી લે છે. સ્કેમર્સને જેવું આઈ ક્લાઉડનું એક્સેસ મળ્યું તે સાથે જ તેમણે તેને સ્વાઈપ કરીને લૈકોવોનનું એકાઉન્ટ ખાલી કરી દીધું હતું. ક્રિપ્ટો વોલેટમાં એન્ટર કરવા માટે સીડ ફ્રેઝ જરૂરી હોય છે. તેને કોઈની સાથે શેર ન કરવું જાેઈએ.
લૈકોવોને ઓનલાઈન કોમ્યુનિટી પાસે મદદ માગી છે અને સાથે જ પૈસા પાછા લાવવામાં મદદ કરનારને ૧ લાખ ડોલર(લગભગ ૭૬.૧૫ લાખ રૂપિયા)નું ઈનામ પણ આપવામાં આવશે. મેટા માસ્ક સ્પષ્ટ રીતે આ સીડ ફ્રેઝ ફાઈલને આઈક્લાઉડ પર કલેક્ટ કરે છે. એવું બની શકે છે કે, સ્કેમરને આ જ રીતે ડોમિનિકના વોલેટનું એક્સેસ મળ્યું હોય અને ત્યારબાદ તેને તેમના ફોન પર મોકલાવેલા એક ઓટીપીની જ જરૂર હતી.જાેકે, મેટા માસ્ક દ્વારા આ ઘટના પર કોઈ પ્રતિક્રિયા નથી આપવામાં આવી પરંતુ તેમના દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું છે જેમાં યુઝર્સને ફિશિંગ ઘોટાળા વિશે ચેતવણી આપવામાં આવી છે.