More Homes Required in India: ચીનને પછાડીને ભારત હવે વસ્તીમાં નંબર વન છે, તેવા સંજોગોમાં વધારે ઘરોની જરૂરિયાત ઊભી થવાની સંભાવના છે. ક્રેડાઈના અહેવાલ અનુસાર નાનાં શહેરોમાં તો ઘરોની માંગ ઝડપથી વધી પણ રહી છે. જાન્યુઆરી-2024માં જ આપણા દેશની વસ્તી 142 કરોડને આંબી ગઈ છે.
આટલી મોટી વસ્તી માટે રોટી-કપડાં-મકાનની સવલત ઉપલબ્ધ કરાવવી તે પણ એક પડકારરૂપ કાર્ય છે. આમાં મકાન એટલે કે ઘર એક અનિવાર્ય બાબત છે. એક અનુમાન મુજબ, દેશમાં વધતી જતી મકાનોની માંગ અને ઓછો પુરવઠો જોતાં આગામી 10 વર્ષમાં દેશમાં વધારાનાં લગભગ 6.4 કરોડ ઘર બનાવવાં પડશે.
અલબત્ત, વારાણસી ખાતે યોજાયેલી ન્યૂ ઇન્ડિયા સમિટમાં ડેટા એનાલિટિક કંપની લાઇસન્સ ફોરાસની સાથે મળીને ક્રેડાઈ કંપનીએ રજૂ કરેલો અહેવાલ ચોંકાવનારો છે. તેમણે મકાનોની સ્થિતિ અંગે રજૂ કરેલા એક અહેવાલ અનુસાર, દેશમાં ઝડપથી વધતી જતી વસ્તીના પગલે વર્ષ 2036 સુધીમાં ભારતમાં વધારાનાં 6.4 કરોડ મકાનોની જરૂરિયાત ઊભી થશે.
અહેવાલ અનુસાર, વર્ષ 2018 સુધીમાં ભારતમાં લગભગ 2.9 કરોડ મકાનોની અછત હતી, તેથી ભારતમાં 2036 સુધીમાં કુલ ઘરોની માંગ લગભગ 9.3 કરોડ થઈ જશે. જોકે, ક્રેડાઈના અધ્યક્ષ બોમન ઈરાનીએ જણાવ્યું હતું કે, ઝડપથી વધતી જતી વસ્તી તથા અર્થતંત્રના કારણે મકાનોની માંગ અને પુરવઠામાં વધારો થયો છે. લોકોની મકાન ખરીદવાની ક્ષમતામાં પણ સુધારો થયો છે.
તો, ક્રેડાઈના ચેરમેન મનોજ ગૌડે જણાવ્યું કે, 2023 રિયલ એસ્ટેટ સેક્ટર સાથે સંકળાયેલાં બધાં જ ક્ષેત્રો માટે આશાસ્પદ વર્ષ હતું. ટિયર-2 અને 3 શ્રેણીમાં આવનારાં શહેરોમાં ઘરોની માંગ અને બાંધકામ જોર પકડશે.
લાયસન્સ ફોરાસના સંસ્થાપક અને મેનેજિંગ ડીરેક્ટર પંકજ કપૂરે જણાવ્યું કે, ભારતનું રિયલ એસ્ટેટ સેક્ટર એક મહત્ત્વના વળાંક ઉપર છે. તેમાં સતત માંગ અને પુરવઠો જીડીપીમાં યોગદાન આપે છે. તે અર્થતંત્રને 5 ટ્રિલિયન ડોલરના લક્ષ્ય સુધી પહોંચાડવામાં મદદરૂપ નીવડે છે.
આ અહેવાલમાં સ્પષ્ટ જણાવાયું છે કે, રિયલ એસ્ટેટ સેક્ટરે નાના અને મધ્યમ શહેરો પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ક્રેડાઈના અનુમાન અનુસાર, મધ્યમ તથા નાનાં શહેર (સેકંડ ટિયર અને થર્ડ ટિયર)માં રિયલ એસ્ટેટની માંગ ઝડપથી વધનારી છે.