Cricket News: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની T20 સીરીઝની બીજી મેચ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાઈ હતી. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. અફઘાનિસ્તાન માટે ગુલબદ્દીન નાયબની શાનદાર ઇનિંગના કારણે અફઘાનિસ્તાનની ટીમે ભારતને 173 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેનો ટીમ ઈન્ડિયાએ સરળતાથી પીછો કર્યો હતો. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ 3 મેચની T20 સીરીઝ પર પણ કબ્જો કરી લીધો છે.
અફઘાનિસ્તાન તરફથી ઓપનિંગ કરવા આવેલા રહેમાનુલ્લા ગુરબાઝ 9 બોલમાં 14 રન બનાવી શક્યો હતો. આ સિવાય કેપ્ટન ઈબ્રાહિમ ઝદરાન પણ કંઈ ખાસ કરી શક્યો ન હતો. તે 10 બોલમાં 8 રન બનાવીને આઉટ થયો હતો. ગુલબદ્દીન નાયબની શાનદાર ઇનિંગને કારણે અફઘાનિસ્તાનની ટીમે ભારતને 173 રનનો ટાર્ગેટ આપ્યો હતો. અર્શદીપ સિંહ તરફથી શાનદાર બોલિંગ જોવા મળી હતી. તેણે કુલ 3 વિકેટ ઝડપી હતી.
પોતાની 150મી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી રહેલો રોહિત શર્મા 0 રને આઉટ થયો હતો. પહેલી મેચમાં પણ તેની સાથે આવું જ થયું હતું. તેની સાથે ઓપનિંગ કરવા આવેલા યશસ્વી જયસ્વાલ તરફથી શાનદાર બેટિંગ જોવા મળી હતી. તેણે અડધી સદી ફટકારી હતી. તેણે 34 બોલમાં 68 રનની ઇનિંગ રમી હતી. તે જ સમયે, વિરાટ કોહલી સારી બેટિંગ કરી રહ્યો હતો. પરંતુ ઈનિંગને આગળ લઈ જઈ શક્યો નહીં. તે 16 બોલમાં 29 રન બનાવીને આઉટ થયો હતો.
આ પછી શિવમ દુબેએ ટીમ ઈન્ડિયા માટે ખતરનાક બેટિંગનું પ્રદર્શન કર્યું. તેના બેટમાંથી શાનદાર અડધી સદી પણ જોવા મળી હતી. જીતેશ શર્મા બીજી મેચમાં કંઈ ખાસ કરી શક્યો નહોતો. આ સાથે જ રિંકુ સિંહે 8 બોલમાં 8 રનની ઇનિંગ રમી હતી.