શ્રીલંકા વિરુદ્ધ મોહાલીમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ ક્રિકેટ મેચમાં બેટ અને બોલ વડે ધમાકેદાર પ્રદર્શન કરનારા ભારતીય ખેલાડી રવિન્દ્ર જાડેજાને આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં મોટો ફાયદો થયો છે. રવિન્દ્ર જાડેજા બુધવારે જાહેર કરવામાં આવેલી ના સ્થાન પર પહોંચી ગયો છે. આઈસીસી દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તાજેતરમાં મોહાલીમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતે શ્રીલંકા સામે વિજય નોંધાવ્યો હતો જેમાં રવિન્દ્ર જાડેજાનું પ્રદર્શન અદ્દભુત રહ્યું હતું. જેના કારણે તે ઓલ-રાઉન્ડર્સની યાદીમાં ટોચના સ્થાને પહોંચી ગયો છે.
શ્રીલંકા સામે રવિન્દ્ર જાડેજાએ સાતમાં ક્રમે આવીને ૧૭૪ રનની શાનદાર ઈનિંગ્સ રમી હતી. જેના કારણે તે બેટર્સ રેન્કિંગમાં ૫૪માંથી ૩૭માં ક્રમે પહોંચી ગયો છે. તેણે બોલિંગમાં પણ કમાલ કરી હતી અને કુલ નવ વિકેટ ઝડપી હતી જેના કારણે તે બોલર્સ રેન્કિંગમાં ૧૭માં સ્થાને આવી ગયો છે. તેના આ પ્રદર્શનની મદદથી તેણે વેસ્ટ ઈન્ડિઝના જેસન હોલ્ડરને નંબર-૧ના સ્થાનથી હટાવી દીધો છે. હોલ્ડર ફેબ્રુઆરી ૨૦૨૧થી નંબર-૧ ઓલ-રાઉન્ડર હતો.
અગાઉ જાડેજા ઓગસ્ટ ૨૦૧૭માં ટોચના સ્થાને પહોંચ્યો હતો પરંતુ તે ફક્ત એક સપ્તાહ માટે તે સ્થાને રહ્યો હતો. મોહાલીમાં શાનદાર પ્રદર્શન માટે જાડેજાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. સાતમાં ક્રમે ૧૭૪ રનની અણનમ ઈનિંગ્સ રમીને તેણે આ ક્રમે સૌથી મોટી ઈનિંગ્સ રમવાના કપિલ દેવના ૩૪ વર્ષ જૂના રેકોર્ડને પણ તોડી નાંખ્યો હતો. રવિચંદ્રન અશ્વિનને ઓલ-રાઉન્ડર્સ યાદીમાં નુકસાન થયું છે અને તે ત્રીજા ક્રમે આવી ગયો છે. જ્યારે અક્ષર પટેલ ૧૪માં ક્રમે છે. ઈજાના કારણે અક્ષર પટેલ મોહાલી ટેસ્ટમાં રમ્યો ન હતો. જાેકે, બીજી ટેસ્ટ માટે તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
બેટર્સમાં વિરાટ કોહલી બે સ્થાનના કૂદકા સાથે પાંચમાં ક્રમે પહોંચી ગયો છે. જ્યારે સુકાની રોહિત શર્મા છઠ્ઠા સ્થાને છે. મોહાલી ટેસ્ટમાં ૯૬ રનની લાજવાબ ઈનિંગ્સ રમનારા રિશભ પંતને પણ ફાયદો થયો છે અને તે ટોપ-૧૦માં આવી ગયો છે. તેને એક સ્થાનનો ફાયદો થયો છે અને તે ૧૦માં ક્રમે પહોંચ્યો છે. ઓસ્ટ્રેલિયાના માર્નસ લાબુશેને ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. બોલર્સ રેન્કિંગમાં અશ્વિન બીજા ક્રમે જ્યારે જસપ્રિત બુમરાહ ૧૦માં સ્થાને છે. ઓસ્ટ્રેલિયાનો પેટ કમિન્સ ટોચના ક્રમે છે.