Cricket News: સાઉથ આફ્રિકામાં ટેસ્ટ સિરીઝની સતત બીજી મેચમાં ટીમ ઈન્ડિયાની બેટિંગ પત્તાના ઢગલાની જેમ પડી ગઈ હતી. સેન્ચુરિયન ટેસ્ટમાં શરમજનક ઇનિંગ્સની હાર બાદ કેપટાઉન ટેસ્ટમાં પણ બેટ્સમેનો મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યા હતા. સ્થિતિ એવી હતી કે પ્રથમ દાવમાં ભારતીય ટીમના 7 બેટ્સમેનો એકપણ રન બનાવ્યા વિના પરત ફર્યા હતા. ટીમ ઈન્ડિયાએ તેની છેલ્લી 6 વિકેટ 11 બોલમાં ગુમાવી દીધી હતી.
સાઉથ આફ્રિકા વિરૂદ્ધ ટેસ્ટ સિરીઝની શરૂઆત પહેલા કેપ્ટન રોહિત શર્માએ એક મોટું નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું હતું કે તે એવી સફળતા હાંસલ કરવા માંગે છે જે આ પહેલા કોઈ ભારતીય કેપ્ટન હાંસલ કરી શક્યા નથી. કોઈ પણ ભારતીય કેપ્ટન સાઉથ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણી જીતી શક્યો નથી. રોહિત શર્મા પણ આમાં નિષ્ફળ રહ્યો હતો. સેન્ચુરિયન ટેસ્ટમાં એક ઇનિંગ્સ અને 32 રનની હાર સાથે તેનું સપનું તૂટી ગયું હતું.
ભારતની 6 વિકેટ 11 બોલમાં પડી ગઈ
કેપટાઉન ટેસ્ટ મેચમાં ભારતીય ટીમની બેટિંગ એવી હતી કે કોઈ પણ જોવા માંગશે નહીં. ટીમ ઈન્ડિયાનો સ્કોર 33 ઓવરમાં 153 રન હતો અને તમામ બેટ્સમેનો 34.5 ઓવરમાં જ પરત ફરી ગયા હતા. ભારતીય ટીમ 153ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમે તેના છેલ્લા 6 બેટ્સમેન 11 બોલમાં ગુમાવ્યા હતા. 7 બેટ્સમેન ખાતું ખોલાવ્યા વિના પરત ફર્યા, જેમાં મુકેશ કુમાર શૂન્ય પર અણનમ રહ્યા જ્યારે ઓપનર યશસ્વી જયસ્વાલ, શ્રેયસ અય્યર, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણ શૂન્ય પર આઉટ થયા.
ભારતે દક્ષિણ આફ્રિકાને 55 રનમાં ઓલઆઉટ કરી દીધું
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મોહમ્મદ સિરાજની ઘાતક બોલિંગ સામે યજમાન ટીમના બેટ્સમેનો સંપૂર્ણપણે લાચાર દેખાતા હતા. તેણે 9 ઓવરમાં માત્ર 15 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. જસપ્રીત બુમરાહ અને મુકેશ કુમારે માત્ર 55 રનના સ્કોર પર 2-2 વિકેટ લઈને દક્ષિણ આફ્રિકાની પ્રથમ ઈનિંગ્સનો અંત આણ્યો હતો.