રણવીર સિંહ દરરોજ કોઈને કોઈ વાતને લઈને સમાચારોમાં રહે છે. અભિનેતા તાજેતરમાં તેના ન્યૂડ ફોટોશૂટને કારણે ચર્ચામાં આવ્યો હતો. રણવીર સિંહના ફોટોશૂટની તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. જો કે, ઘણા લોકોને અભિનેતાનું આ ફોટોશૂટ પસંદ ન આવ્યું અને તેનો ઘણો વિરોધ પણ થયો. મામલો પોલીસ સુધી પણ પહોંચ્યો અને રણવીર સિંહે પણ આ મામલે પોતાનું નિવેદન નોંધ્યું છે, જેના વિશે હવે એક મોટું અપડેટ સામે આવ્યું છે.
રણવીર સિંહને ગયા મહિને ન્યૂડ ફોટોશૂટ માટે મુંબઈના ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યો હતો. જ્યાં અભિનેતા બે કલાક સુધી હાજર રહ્યો હતો અને તેનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. તાજેતરમાં મળેલી માહિતી અનુસાર, રણવીરે પોતાના નિવેદનમાં કહ્યું છે કે કોઈએ તેના એક ફોટો સાથે છેડછાડ કરી છે. તેણે કહ્યું છે કે તેને જે રીતે બતાવવામાં આવી રહ્યું છે તે રીતે તેને શૂટ કરવામાં આવ્યું નથી. પોલીસે રણવીર સિંહનું નિવેદન નોંધ્યું છે, હવે તે તેની ખરાઈ કરી રહી છે. તમને જણાવી દઈએ કે, રણવીરે આ નિવેદન 29 ઓગસ્ટે રેકોર્ડ કર્યું હતું.
22 જુલાઈના રોજ રણવીર સિંહે તેના ન્યૂડ ફોટોશૂટની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. આ તસવીરો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો હતો. રણવીરે આ ફોટોશૂટ એક મેગેઝીન માટે કરાવ્યું હતું. લોકો વધુને વધુ અભિનેતાની તસવીરો શેર કરવા લાગ્યા અને આ ફોટા વાયરલ થતાં જ દેશભરમાં અભિનેતાનો વિરોધ થયો. અભિનેતાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, રણવીર સિંહ ટૂંક સમયમાં આલિયા ભટ્ટ સાથે ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં જોવા મળશે. આ સિવાય તે રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સર્કસ’માં પણ જોવા મળવાનો છે.