Bollywood News: વર્ષ 2023માં પહેલા પઠાણ, પછી જવાન અને છેલ્લે ડંકી સાથે બોક્સ ઓફિસ પર હિટ કર્યા બાદ શાહરૂખે સાબિત કરી દીધું છે કે તેને બોલિવૂડનો કિંગ ખાન કેમ કહેવામાં આવે છે. શાહરૂખ ખાને લાંબા અંતર બાદ વર્ષ 2023માં કમબેક કર્યું અને એવું શાનદાર કમબેક કર્યું કે આખી દુનિયા જોતી રહી. બેક-ટુ-બેક હિટ ફિલ્મો આપ્યા પછી, શાહરૂખ ખાનને એક કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યો, જ્યાં સુપરસ્ટારે પોતાને દરેક યુગનો ભારતીય ગણાવ્યો.
હું દરેક યુગ માટે ભારતીય છુંઃ શાહરૂખ ખાન
શાહરૂખ ખાન તાજેતરમાં એક કાર્યક્રમનો ભાગ બન્યો હતો. જ્યાં તેને ઈન્ડિયન ઓફ ધ યરનું સન્માન મળ્યું હતું. કાર્યક્રમમાં સન્માનિત થયા બાદ શાહરૂખે પોતાને દરેક યુગ માટે ભારતીય ગણાવતા, તેમના જીવનના છેલ્લા પાંચ વર્ષમાં વ્યક્તિગત અને વ્યવસાયિક પડકારોનો સામનો કરવો પડ્યો તેની પણ વાત કરી.
પોતાના ચાહકોનો આભાર વ્યક્ત કરતા શાહરૂખે કહ્યું- ‘હું મારી જાતને ઇન્ડિયન ઓફ ધ યર નથી માનતો. મને લાગે છે કે હું આટલા વર્ષોથી ભારતીય છું. હું આવનારા તમામ વર્ષો સુધી ભારતીય રહીશ. હું ખરેખર દરેક યુગનો ભારતીય છું.
શાહરૂખ ખાને ચાહકોનો આભાર માન્યો…
શાહરૂખ ખાને કાર્યક્રમમાં બોલતા કહ્યું- ‘તમારામાંથી ઘણા મારી ફિલ્મો જોવા આવ્યા હતા. કેટલાકને તે ગમ્યું નહીં હોય પણ હું આશા રાખું છું કે તમે અંદરથી મને અને મારા પરિવારને ટેકો આપવા આવ્યા છો. હું તમને નમન કરું છું અને મારા પરિવારને ખુશીઓ સાથે આશીર્વાદ આપવા અને મને ફરી એકવાર સ્ટાર બનાવવા બદલ તમારો આભાર વ્યક્ત કરું છું…’
શાહરૂખ ખાનના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, પઠાણ, જવાન અને ડંકી પછી હવે શાહરૂખ કંઈક નવું કરવાનો પ્રયાસ કરવા માંગે છે. જો અહેવાલોનું માનીએ તો કિંગ ખાન ટૂંક સમયમાં વિશાલ ભારદ્વાજ સાથે નવા પ્રોજેક્ટ માટે જોડી બનાવી શકે છે.