૨૦ જિલ્લાઓ લમ્પી વાયરસની લપેટમાં આવી ગયા છે. અત્યાર સુધીમાં ૧૬૦૦થી વધુ ગાયોના લમ્પીના કારણે મોત થયા છે. તંત્રના સબસલામતના દાવા વચ્ચે હજુ પણ લમ્પીના કેસ વધી રહ્યા છે.દાહોદ અને સાબરકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં પશુઓ લમ્પીગ્રસ્ત થતા ચિંતામાં વધારો થયો છે. તો બીજી તરફ લમ્પી રોગના કારણે દૈનિક દૂધ ઉત્પાદનમાં પણ જંગી ઘટાડો નોંધાયો છે. સૌરાષ્ટ્ર-કચ્છની ડેરીઓમાં ૫થી લઈને ૨૭ ટકા દૈનિક દૂધ ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે.
જાેકે મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતની ડેરીઓમાં કોઈ ઘટાડો નોંધાયો નથી. તો લમ્પી મુદ્દે રાજ્યનું રાજકારણ પણ ગરમાયુ છે. વિરોધપક્ષે તંત્ર પર મોડે જાગ્યા હોવાનો આરોપ લગાવ્યો તો સરકારે બચાવમાં રસીકરણને મહત્વ આપવાની વાત કહી. જાેકે રસીકરણ અભિયાન પણ પૂર ઝડપે ચાલી રહ્યું છે. પશુપાલકોને જાગૃત કરવા માટે અધિકારીઓ પર પ્રયાસ કરી રહ્યા છે. રાજ્યમાં લમ્પી વાયરસનો વ્યાપ સતત વકરી રહ્યો છે.
ખાસ કરીને કચ્છ જિલ્લામાં લમ્પી વાયરસે હાહાકાર મચાવ્યો છે.આ ખતરનાક વાયરસથી પશુધનને બચાવવા રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે લમ્પીગ્રસ્ત ગાયોની સારવાર માટે આયુર્વેદિક ઔષધીઓનો ઉપયોગ વધુ ફાયદાકારક સાબિત થઈ રહ્યો છે.કચ્છમાં આઇસોલેશન સેન્ટરમાં આયુર્વેદિક ઉકાળા અને અન્ય લેપ દ્વારા લમ્પીગ્રસ્ત ગાયોની સારવાર કરવામાં આવી રહી છે.ચેપગ્રસ્ત પશુઓ પર ફટકડી અને લીમડાના રસાયણનો છંટકાવ કરવામાં આવે છે અને આયુર્વેદિક પદ્ધિત અપનાવીને અમૂલ્ય પશુધનને બચાવવાની કવાયત હાથધરાઈ છે.