ક્રેડિટ રેટિંગ એજન્સી સીઆરઆઈએફ હાઈમાર્ક દ્વારા હાઉ ઈન્ડિયા સેલિબ્રેટ્સના શિર્ષક હેઠળ એક નવીનતમ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. જે મુજબ નાણાકીય વર્ષ ૨૦૨૨ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં (ક્યુ૩) કોરોનાકાળ પહેલાના નાણાકીય વર્ષ ૨૦૨૦ના સમાન સમયગાળાની તુલનામાં ગુજરાતમાં પર્સનલ લોન લેવાનું પ્રમાણ ૩૦% વધ્યું છે. જાે સંપૂર્ણ મૂલ્યની દ્રષ્ટીએ જાેવામાં આવે તો આ સમયગાળામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો અને નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ (એનબીએફસીએસ) તરફથી વ્યક્તિગત લોનનું વિતરણ રૂ. ૪,૦૨૭ કરોડથી વધીને રૂ. ૫,૨૪૭ કરોડ થયું છે.
બેંકરોના જણાવ્યા અનુસાર, કટોકટી ખર્ચમાં વધારો સાથે ઘટેલી આવકને લીધે વ્યક્તિગત લોન લેવાના પ્રમાણમાં વધારો થયો છે. મહામારી પછી હજુ પણ ઘણા ક્ષેત્રોમાં નિયમિત આવક સંપૂર્ણપણે સુવ્યવસ્થિત થઈ નથી. ઇમરજન્સી મેડિકલ ખર્ચને પહોંચી વળવામાં ઘણા લોકોની બચત ધોવાઈ ગઈ હતી. હોસ્પિટાલિટી, ટ્રાવેલ અને ટુરીઝમ જેવા ક્ષેત્રોમાં ભાગ્યે જ કોઈ રિકવરી દેખાઈ રહી છે અને ઘણા લોકોએ રોજગાર ગુમાવ્યો છે. પરિણામે ઘણા લોકો પર્સનલ લોન તરફ વળ્યા છે. બેન્કિંગ સેક્ટરમાં ઉચ્ચ સ્થાને રહેતા સ્ત્રોતએ જણાવ્યું હતું.
ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો પાસેથી વાર્ષિક ૧૦% અને ૧૪% વચ્ચેના વ્યાજ દરે વ્યક્તિગત લોન ઉપલબ્ધ છે. બેંકર્સ એમ પણ કહે છે કે જેમ જેમ બજાર ખુલ્યું અને સામાજિક મેળ-મેળાપ થવા લાગ્યા, ઘણા લોકોએ લગ્ન માટે પણ વ્યક્તિગત લોન લીધી. રસપ્રદ વાત એ છે કે, ઘણી બેંકોએ મુસાફરી અને વેકેશન માટે પર્સનલ લોન ઑફર કરવાનું શરૂ કરી છે.
‘મોટાભાગની બેંકોનો પર્સનલ લોન પોર્ટફોલિયો મહામારી પછી શરૂ થયો ત્યારથી ઘણો વિસ્તર્યો છે. પર્સનલ લોન વધું લેવા પાછળ તાત્કાલિક નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળવું એ એક કારણ છે, જ્યારે આવી લોનની સરળ ઉપલબ્ધતા એ બીજું કારણ છે. સંખ્યાબંધ બેંકોએ તાત્કાલિક મંજૂરીઓ અને વિતરણ સાથે ડિજિટલ વ્યક્તિગત લોન રજૂ કરી. તેમજ મોબાઇલ બેન્કિંગ આ સરળતાને વધુ એક ડગલું આગળ લઈ ગયું છે. જેનાથી વ્યક્તિગત લોન વિતરણમાં નોંધપાત્ર વધારો થયો છે. તેમ એક વરિષ્ઠ બેન્કરે જણાવ્યું હતું.