મોરબીની મચ્છુ જળ હોનારતની ઘટનાને આજે ૪૩ વર્ષ પુરા થઇ ગયા છે. જાે કે, ન માત્ર ગુજરાત પરંતુ દેશ વિદેશના લોકો પણ જે ઘટનાને આજની તારીખે ભૂલ્યા નથી તે ઘટનાને મોરબીવાસીઓ કદી ન ભૂલી શકે તે નક્કી છે, અને ૪૩ વર્ષ વીતી ગયા હોવા છતા પણ હોનારતની તારીખ આવતા જૂની યાદો લોકોને તાજી થઇ જવાથી અનેક આંખોમાં ફરી પાછું હોનારત આવશે અને જળ પ્રલયમાં સ્વજનોને ગુમાવનારા અનેક લોકોની આંખોના બાંધ પણ તૂટશે તે નિશ્ચિત છે.
૧૧મી ઓગસ્ટના દિવસને મોરબીના રહેવાસીઓ ક્યારે પણ ભૂલી શકે તેમ નથી કેમ કે, આ દિવસે આજથી ૪૩ વર્ષ પહેલા મોરબી નજીકનો મચ્છુ-૨ ડેમ તુટ્યો હતો અને મોરબી ભારતના નકશામાંથી હતું ન હતું થઇ ગયું હતું. જે તે સમયે શ્રાવણ મહિનાના પવિત્ર દિવસો હોવાથી મેળા સહિતની રજાઓ હોવાથી મોરબીની જુદીજુદી કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારો પોતાના વતનમાં કે ગામડે જતા રહ્યા હતા અને ૧૧મી તારીખ પહેલાના દિવસોમાં પડેલા ભારે વરસાદના કારણે મચ્છુ-૨ ડેમ છલોછલ ભરેલો હતો.
તેવા સમયે એક ડેમનો માટીનો પાળો તૂટવાથી સર્જાઈ હતી જળપ્રલયની ભયાનક ઘટના. જેની યાદ માત્રથી આજની તારીખે લોકોના શરીરમાંથી કંપારી છૂટી જય છે. જાે કે, મોરબીના જળ હોનારતમાં માનવ મૃત્યુનો સાચો આંકડો તો આજની તારીખે બહાર આવ્યો નથી અને મચ્છુ ડેમમાંથી નીકળેલ પાણી મોરબી ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ફરી વળ્યું હોવાથી હજારોની સંખ્યામાં લોકો મચ્છુના ધસમસતા પાણીમાં તણાઈ ગયા હતા અને મોતને ભેટયા હતા.
એટલું જ નહિ ગાય, ભેસ સહિતના દુધાળા પશુઓ ઉપરાંત અન્ય હજારો અબોલ જીવના પણ પાણીમાં તણાઈ જવાથી મોત નીપજતા શેરી ગલ્લીઓ તો ઠીક વીજપોલ ઉપર, મકાનની છત ઉપર, વૃક્ષની ડાળીઓ ઉપર જ્યાં નજર કરો ત્યાં લટકતી લાશો જ જાેવા મળતી હતી. મચ્છુ હોનારત બાદ શહેરમાં રોગચાળો ફેલાયો અને લોકો રોગનો ભોગ બને તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.
જેથી તે સમયે સરકાર દ્વારા તાત્કાલિક કર્મચારીઓની ભરતી કરીને જુદાજુદા સર્વે સહિતની કામગીરીમાં તે કર્મચારીઓને લગાવવામાં આવ્યા હતા અને જે તે સમયે તાત્કાલિક કેટલાક કર્મચારીઓની ભરતી પણ કરવામાં આવી હતી અને નવા સ્ટાફને પહેલી જ જવાબદારી શહેરના જુદાજુદા વિસ્તારોમાં પાણી કેટલા ભરાયેલા છે? કયા કયા મૃતદેહ પડ્યા છે? વિગેરે સોપવામાં આવી હતી.
આજે પણ ત્યાંના લોકોને યાદ છે અને તે દિવસનો નજરો આજે પણ લોકો સમક્ષ આવી જાય તો ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગે છે. આજે ઘણા કર્મચારી નિવૃત થઇ ગયા છે તો પણ મચ્છૂ હોનારતને ભૂલી શક્યા નથી. અત્રે ઉલેખનીય છે કે, ભારે વરસાદના કારણે તે દિવસે સવારથી જ શહેરમાં પાણી ભરાવા લાગ્યા હતા, તેવામાં મચ્છુ ડેમ તૂટતા લોકોને પોતાના જીવ બચાવવા મુશ્કેલ બની ગયા હતા અને ઘણા લોકોએ તો મચ્છુના પાણીમાં નજરો નજર પોતાના સ્વજનોને ડૂબતા જાેયા હતા.