Gujarat News: ગુજરાતમાં અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે, લગ્ન એક ખુશીનો પ્રસંગ છે, પરંતુ હાલમાં અમદાવાદમાં એક લગ્ન દુઃખનો પ્રસંગ બની ગયો છે. ખરેખરમાં, રાજપીપળાથી અમદાવાદનાં નિકોલમાં એસ.પી. રીંગ રોડ પર આપેલ વિશાલા લેન્ડમાર્ક કોમ્પ્લેક્ષમાં આવેલ મેરી ગોલ્ડ હોટેલમાં ગત રોજ ફ્રૂડ પોઈઝનિંગનો મામલો સામે આવ્યો હતો.
તમામ લોકોને સારવાર અર્થે અમદાવાદ એલ.જી. હોસ્પિટલમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી. ત્યારે અમદાવાદ મ્યુ. કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગ દ્વારા હોટેલની તપાસ શરૂ કરી હતી. રાજપીપળાથી અમદાવાદમાં પરણવા માટે જાન આવી હતી, અમદાવાદના નિકોલમાં જાનૈયાઓ વરરાજાને પરણાવવા આવ્યા હતા, આ દરમિયાન નિકોલના વિશાલા લેન્ડપાર્ક હૉટલમાં જાનૈયાઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
લગ્નની મોજમાં જાનૈયાઓને અહીં દૂધની બનાવટનું જ્યૂસ અને ગાજરનો હલવો ભોજનમાં આપવામાં આવ્યો હતો. મોડી રાત્રે કન્યાની વિદાય બાદ એક બાદ એક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. 6 લોકોને ગંભીર અસર થતા મણિનગરની એલજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. . કન્યાપક્ષના સંખ્યાબંધ લોકોને પણ ફ્રુડ પોઈઝનિંગની અસર થઈ હતી. હાલમાં તમામ દર્દીઓની સ્થિતિમાં સુધારો આવી રહ્યો છે. આજે અમદાવાદ મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા હોટેલની તપાસ શરૂ કરી છે.