Gujarat News: ભારતએ ખેતી પ્રધાન દેશ છે. અહી દરેક રાજ્ય અને શહેરોની પોતાની અલગ અલગ ખાણીપીણી છે. તેમાં કેટલીક ખાસ વાનગીઓને GI Tag મળે છે. ત્યારે GI Tagના લિસ્ટમાં બે નવા નામ જોડાયા છે. જેમાં એક છે ઓડિશાની કીડીની ચટણી અને બીજું છે કચ્છની દેશી ખારેક. જીં હા… કચ્છની દેશી ખારેકને GI Tag મળ્યો છે.
ખારેકની નિકાસ વધશે
કચ્છની દેશી ખારેકને GI Tag મળ્યા બાદ હવે કચ્છી ખજૂરના બ્રાન્ડિંગને વેગ અપાશે. આ શુષ્ક અને અર્ધ-શુષ્ક પ્રદેશમાં ખજૂર ઉગાડતા હજારો ખેડૂતોને ફાયદો થવા જઇ રહ્યો છે. કચ્છમાં ભારતના કુલ ખજૂરનું 85% ઉત્પાદન થાય છે. ભૂજમાં ખેડૂત ઉત્પાદક સંસ્થા યુનિડેટ્સ ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડે જૂન 2021માં સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીની મદદથી GI ટેગ માટે અરજી કરી હતી. જે કચ્છના મુંદ્રા ખાતે ડેટ્સ પામ રિસર્ચ સ્ટેશન ચલાવે છે. SDAUના સંશોધનના નિર્દેશક સીએમ મુરલીધરને જણાવ્યું હતું કે, 500 વર્ષ જૂની ખારેકને આખરે GI ટેગ મળ્યો.
અહીંના ફળોમાં વિવિધતા…
જે રીતે દાર્જિલિંગ ચા માટે પ્રખ્યાત છે તે રીતે કચ્છ તેના ખજૂર માટે પ્રખ્યાત થશે. જે ખેડૂતોને GI Tagનો લાભ લેવા માંગતા હોય તેમણે FPOમાં અરજી કરીને સભ્ય બનવાનું રહેશે. એક સમિતિ તેમના દ્વારા ચોક્કસ ખેતીની જમીન પર ઉગાડવામાં આવતા ફળોની તપાસ કરશે અને સભ્યપદની મંજૂરી આપશે. ત્યાર બાદ સભ્ય-ખેડૂત જીઆઈ ટેગના લોગોનો કાયદેસર ઉપયોગ કરી શકે છે. કચ્છમાં મોટાભાગના ખેડૂતો પિયારણનો ઉપયોગ કરીને ખજૂર ઉગાડે છે અને તેના કારણે ફળોમાં વિવિધતા જોવા મળે છે.
કિલોના ભાવ 1200 રૂપિયા
કચ્છમાં ઉગતી ખાસ પ્રકારની દેશી ખારેક સ્વાદમાં મીઠી અને મુલાયમ હોય છે. તે માર્કેટમાં 1200 રૂપિયે કિલો સુધી વેચાય છે. આ દેશી ખારેક કાર્બ્સ અને માઈક્રોન્યૂટ્રિએન્ટ્સથી ભરેલી હોય છે. સાથે જ તેમાં ફાઈબર પણ પૂરતી માત્રામાં હોય છે. આ ખારેક પેટની અનેક બીમારીઓમાં રાહત આપે છે.