વિપુલ ચૌધરીને કૌભાંડ બદલ આજે સજા ફટકારવામાં આવી છે. 22.50 કરોડના કૌભાંડ કેસમાં લાંબા સમયગાળા બાદ આજે કોર્ટે ચુકાદો જાહેર કર્યો છે મહેસાણા દૂધસાગર ડેરીના સાગરદાણ કૌભાંડ કેસમાં આજે મહેસાણા કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે, જેમાં વિપુલ ચૌધરી સહિત 15 આરોપીને 7 વર્ષની સજા ફટકારી છે. આ કેસમાં કુલ 22 લોકો આરોપી છે, એમાંથી 3નાં મૃત્યુ થયાં છે.
વિગતે વાત કરીએ તો 2013ના વર્ષમાં રૂ.22.50 કરોડનું સાગરદાણ મહારાષ્ટ્રમાં મોકલવામાં આવ્યું હતું. 2014માં વિપુલ ચૌધરી સહિતના આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. સાગરદાણકૌભાંડમાં પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે 21 હજાર પાનાંની ચાર્જશીટ દાખલ થઈ હતી અને આ કેસમાં ખાસ સરકારી વકીલ તરીકે વિજય બારોટની નિમણૂક કરાઈ હતી.
આ આરોપીઓને કોર્ટે સજા ફટકારી
વિપુલ માનસિંહભાઈ ચૌધરી (તત્કાલીન ચેરમેન)
જલાબેન (પૂર્વ વાઇસ-ચેરમેન)
નિશિથ બક્ષી (પૂર્વ એમ.ડી.)
પ્રથમેશ રમેશભાઈ પટેલ ( પૂર્વ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર)
રશ્મિકાંત મોદી (પૂર્વ એકાઉન્ટ હેડ)
ચંદ્રિકાબેન
રબારી ઝેબરબેન
જોઈતા ચૌધરી
જયંતી ગિરધરભાઈ પટેલ
કરશન રબારી
જેઠાજી ઠાકોર
વીરેન્દ્રસિંહ ઠાકોર
ઈશ્વર પટેલ
ભગવાન ચૌધરી
દિનેશ દલજીભાઈ ચૌધરી
આ કેસના 19 આરોપી દોષિત સાબિત થયા છે, જેમાંથી 15 આરોપીઓને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે, જ્યારે 19 પૈકી 4 આરોપીને શંકાનો લાભ મળતાં તેમને અપીલ પિરિયડ સુધીમાં 50 હજારના જાત મુચરકાના જામીન પણ છોડવામાં આવ્યા છે.
સાગરદાણ મોકલવા અંગે 17 ઓગસ્ટ 2018ના રોજ વિપુલ ચૌધરીને જવાબદાર ઠેરવાયા હતા. જે બાદ 30 દિવસમાં વિપુલ ચૌધરીને રકમ પરત કરવા આદેશ કરાયો હતો. સાથે જ વિપુલ ચૌધરીને ડેરીની ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવાયો હતો. પ્રતિબંધ હોવા છતાં વિપુલ ચૌધરી ડેરીની ચૂંટણી લડ્યા હતા.
VIDEO: આ સ્વિમિંગ પૂલ નથી પણ નેશનલ હાઈવે છે… 4 ફૂટ સુધી પાણી ભરાઈ ગયું, લોકોએ તરીને મજ્જા લીધી
ચૂંટણી લડી વિપુલ ચૌધરી ડેરીના ચેરમેન બન્યા હતા. વિપુલ ચૌધરીને NDDBના ચેરમેન બનવાની ઇચ્છા હતી. જેને પગલે એ વખતના કૃષિમંત્રી શરદ પવારને રિઝવવા માટે સાગરદાણ મોકલાયું હોવાના આક્ષેપ થયા હતા. મહારાષ્ટ્રમાં દુકાળનું કારણ આગળ ધરીને દૂધ સાગર ડેરીમાંથી મહારાષ્ટ્રની મહાનંદાડેરીને સાગરદાણ મોકલાયું હતું, આ અંગે કોઈપણ જાતની મંજૂરી લેવામાં આવી ન હતી. GMMFCની મંજૂરી વિના જ સાગરદાણ મોકલાયું હતું.