જિલ્લાના સંખેડા તાલુકાના મંગલભારતી ગામ પાસે ટેન્કરે રિક્ષાને ટક્કર મારતા ૧૦ મહિનાના બાળકનું મોત નિપજ્યું હતું. જ્યારે એક જ પરિવારના ૬ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જે પૈકી ૩ લોકોની સ્થિતિ ગંભીર છે. બાળકના મોતને પગલે પરિવારના આક્રંદથી ગમગીની છવાઇ હતી. પોલીસે ઘટના અંગે ગુનો નોંધીને વધારે તપાસ આદરી છે. વડોદરા શહેરના ફતેપુરા ભાંડવાડામાં રહેલતો પરિવાર સવારે એક લગ્ન પ્રસંગે રિક્ષામાં બેસીને જઇ રહ્યો હતો.
ત્યારે અચાનક છોટાપુર જિલ્લાના સંખેડા તાલુકાના મંગલભારતી ગામ પાસે પરિવારને અકસ્માત નડ્યો હતો. ટેન્કરે ટક્કર મારતા ૧૦ મહિનાના બાળક અબ્દુલ અહેમદનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે પરિવારના ૬ સભ્યો ઇજાગ્રસ્ત થયા હતા. ૧૦ મહિના બાળકના મૃત્યુને પગલે રોડ પર પરિવારના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું હતું.
બીજી તરફ અકસ્માત સર્જીને ટેન્કર ચાલક નાસી છુટ્યો હતો. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. તત્કાલ ૧૦૮ એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી હતી. જેથી ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ઇજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ડભોઇ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. ટેન્કર અને રિક્ષા વચ્ચે અકસ્માતના પગલે રસ્તાની બંન્ને બાજુએ ટ્રાફિકજામ સર્જાયો હતો.