આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના દાવોલ ગામે આવેલા મેલડી માતાના મંદિરમાં અમદાવાદી યુવતીએ વિદેશી દારૂનો છટકાવ કરતા વિવાદ સર્જાયો છે. મીડિયા રિપોર્ટ અનુસાર યુવતીએ દારૂની બોટલ મંદિરમાં લઈ જઈને છાંટતા ગ્રામજનોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. તેમણે યુવતી સામે પોલીસ ફરિયાદ નોંધાવીને કાર્યવાહી કરવાની માંગ કરી છે. મંદિરમાં દારૂની બોટલ લઈને ઘૂસેલી યુવતી પોતે પણ નશાની હાલતમાં હોવાની ચર્ચા છે.
પ્રાપ્ત અહેવાલો અનુસાર મેલડી માતાના મંદિરમાં યુવતીએ હોબાળો મચાવ્યો હોવાનો વિડિયો પણ સામે આવ્યો છે. આ સમગ્ર મામલે ગ્રામજનોના જણાવ્યા મુજબ અમદાવાદની એક યુવતી ગામના મેલડી માતાના મંદિરમાં વિદેશી દારુની બોટલ સાથે મંદિરમાં આવી હતી. યુવતી નશાની હાલતમાં લાગતી હતી. યુવતીએ મંદિરમાં પ્રવેશીને મેલડી માતાજીની ઉપર દારૂનો છંટકાવ પણ કર્યો હતો.
ગામના લોકોએ યુવતીએ સમજાવ્યા છતાંય યુવતીએ હોબાળો મચાવ્યો હતો. ગ્રામજનોની સમજાવટ છતાં યુવતી ન માનતા આખરે ગ્રામજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ગ્રામજનોનું કહેવુ છે કે અગાઉ આ યુવતીએ આ જ ગામના યુવક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. યુવતીનો દારૂ છાંટતો વિડીયો અને ગ્રામજનોની ફરિયાદના આધારે બોરસદ પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.