હાલમાં પાટણનો મુદ્દો ભારે ગરમાયો છે કે જ્યાં એક બોગસ ડોક્ટર આખી હોસ્પિટલ ચલાવતો હતો. ત્યારે એ કઈ રીતે અહીંયા સુધી પહોંચ્યો એની હવે કુંડળી બહાર આવી છે અને લોકો સાથે પોલીસ પણ ચોંકી ગઈ છે. દોઢ વર્ષથી લોકોની આંખોમાં ધૂળ નાખી ડોકટર બની સારવાર કરી રહ્યો હતો. કાઉન્સિલ દ્વારા જવાબ રૂપે સોમવારે જિલ્લા આરોગ્ય વિભાગને પત્ર સાથે વિગતો મોકલી આપવામાં આવીતી. એમાં જે ખુલાસા થયા એ ખરેખર ચોંકાવનારા છે.
આ વિગતો દર્શાવે છે કે, રજિસ્ટ્રેશન નંબરની ચકાસણી કરતા યોગેશ પટેલ દ્વારા એમ.બી.બી.એસની જે ડિગ્રી રજિસ્ટ્રેશન નંબર G – 18505 આપવામાં આવી એ ડિગ્રી તેમનાં નામની છે જ નહીં. આ ડિગ્રી તો કોઈ સંઘવી આશેષ હર્ષદભાઈના નામની છે અને જે ગુજરાત યુનિવર્સિટી 1990માં મેળવેલી છે. સાથે જ મોટો ખુલાસો એવો પણ થયો છે કે તેમનાં નામે મેડીકલ કાઉન્સિલમાં કોઈપણ પ્રકારનું રજીસ્ટ્રેશન કરાવેલું નથી. તેમજ તેમને દર્શાવેલ મેડિકલ કાઉન્સિલ સર્ટિફિકેટ રજિસ્ટ્રેશન નંબર આજ દિન સુધી કોઈ પણ તબીબને ઇસ્યુ સુદ્ધા કરવામા આવ્યું નથી.
હવે આ મામલે પોલીસ તપાસ પણ ચાલી રહી છે અને ફરિયાદ પણ નોંધવામાં આવી છે. ફરિયાદ વિશે વાત કરીએ તો એમાં જણાવ્યું છે કે આ કામના આરોપી ડો.પટેલ યોગેશકુમાર ભરતભાઇ રજી.નં. જી 18505 તથા રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ ફોર એડીશનલ મેડીકલ ક્વોલીફીકેશન નં . જી – 56912 ના મેડીકલ રજીસ્ટ્રેશન ડીગ્રી શર્ટીફીકેટ ન હોવા છતા ખોટા સર્ટી બનાવી તેના ખરા તરીકે ઉપયોગ કરી M.D. મેડીસીનની કોઇ ડીગ્રી નહીં હોવા છતાં પોતે એમ. ડી. ( મેડીસીન ) ફીજીશીયન તરીકે પાટણ પ્રસિધ્ધ હોસ્પીટલ ચાલુ કરી ગેર – કાયદેસર પ્રેક્ટીસ કરી લોકોના સ્વાસ્થય સાથે અને આરોગ્ય સાથે ચેડા કરી લોકોનુ જીવન જોખમાય તે કરી ગુનો કર્યાો છે.