ઓનલાઈન મિત્રતા થયા પછી છેતરાવાના અનેક કિસ્સા બન્યા છે, આવો જ વધુ એક કિસ્સો ગાંધીનગરના ડૉક્ટર સાથે બન્યો છે અને તેમણે છેતરપિંડી કરનારી મહિલા અને તેના સાથી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સોશિયલ મીડિયા દ્વારા ડૉક્ટરની ઓળખાણ એક વિદેશી મહિલા સાથે થઈ હતી, આ પછી બન્ને વચ્ચે વાતચીત વધતી ગઈ, ફોન નંબરની આપલે થઈ અને મહિલાએ ડૉક્ટરને મળવા આવવાની વાત કરીને છેતરી નાખ્યા છે.
ડૉક્ટર પ્રશાંત ચૌહાણ સાથે ૮૯,૦૦૦ રૂપિયાની છતરપિંડી થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ મામલે માણસા પોલીસે શનિવારે મહિલા તથા તેના સાગરિત સામે ફરિયાદ નોંધીને વધારે તપાસ શરુ કરી છે. ડૉ. પ્રશાંતે પોલીસને જણાવ્યું કે તેમને મહિલા તથા તેમના સાગરિત દ્વારા તેમના ખાતામાં ૫૦,૦૦૦ ડૉલર જમા કરાવવાની ખાતરી આપીને છેતરપિંડી કરી છે.
રણાસણમાં સ્તુતિ ગ્રીન બંગ્લોઝમાં રહેતા ડૉ. પ્રશાંતે જે મહિલા સામે ફરિયાદ નોંધાવી છે તેણે પોતાની ઓળખ જેસિકા થોમ્પસન તરીકે આપી હતી અને તેણે ઓગસ્ટ ૨૦૨૦માં ફેસબૂક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. તેમણે ફરિયાદમાં જણાવ્યું કે જેવી તેમણે ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારી કે તે બન્નેએ તેમની સાથે છતરપિંડી કરવાનું શરુ કર્યું હતું. જેસિકાએ ડૉ. પ્રશાંતને જણાવ્યું હતું કે તે સ્કોટલેન્ડથી તેમને મળવા માટે આવી રહી છે. આ પછી તેમણે બન્નેએ એક બીજાના ફોન નંબરોની આપલે કરી હતી.
૧૫ જૂન ૨૦૨૧ના રોજ જેસિકાએ ડૉ. પ્રશાંત ચૌહાણને એક વોટ્સએપ મેસેજ કરીને જણાવ્યું હતું કે તે ૨૧ જૂનના રોજ આવી રહી છે, આ સાથે તેણે ફ્લાઈટની ટિકિટનો ફોટો પણ મોકલી હતી. ૨૧ જૂને રાત્રે ૧૨.૧૫ વાગ્યે જેસિકાએ ડૉ. પ્રશાંતને મેસેજ કરીને જણાવ્યું કે તે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરી ગઈ છે. આ પછી એક મહિલાએ ડૉક્ટરને ફોન કર્યો અને પોતાની ઓળખ કસ્ટમ ઓફિસર તરીકે આપી હતી. તેણે ડૉ. પ્રશાંતને જણાવ્યું કે તેણે જેસિકા થોમ્પસન નામની મહિલાની ૫૦,૦૦૦ ડૉલરના ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે અટકાયત કરી છે.
જેને છોડવા માટે રૂપિયા ૩૯,૯૦૦ની પેનલ્ટીની માગણી કરવામાં આવી હતી. ડૉ. પ્રશાંતે મુંબઈમાં જાેયન રોલાંગુલ નામના અકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. આ ઘટનાના થોડા સમય પછી મહિલાએ ડૉક્ટરને જણાવ્યું કે જેસિકા થોમ્પસન નામની મહિલાને મુક્ત કરવામાં આવી છે.
આ ઘટનાના એક દિવસ પછી એક શખ્સે પોતાની ઓળખ રોયલ બેંક ઓફ સ્કોટલેન્ડના અધિકારી તરીકે આપીને ડૉ. પ્રશાંત ચૌહાણને ફોન કર્યો હતો, જેમાં જણાવ્યું કે જેસિકા તેમના ખાતામાં રૂપિયા ૫૦,૦૦૦ ડૉલરનો ડિમાન્ડ ડ્રાફ્ટ જમા કરાવવા માગે છે.
જેના માટે તેમણે રૂપિયા ૩.૪૭ લાખના ટેક્સની ચૂકવણી કરવી પડશે. બેંકના અધિકારીની ટેક્સની રકમ ભરવા અંગેની રજૂઆત પર ડૉ. પ્રશાંત ચૌહાણે કહ્યું કે, કેટલીક રજૂઆતો બાદ તેમને ૫૦,૦૦૦ રૂપિયા ભરવા માટે કહેવામાં આવ્યું હતું જે તેમણે દિલ્હીના એક અકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. આ પછી ડૉક્ટરને છેક સ્કોટલેન્ડથી મળવા માટે આવેલી તેમની મિત્ર જેસિકા જાણે કે ગાયબ જ થઈ ગઈ હતી.
આ પછી તેમને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની શંકા ગઈ અને તેમણે ઘટના અંગે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. પોલીસે આ ઘટનામાં ફરિયાદ નોંધાને તપાસ કરી છે અહીં છેતરપિંડી અને વિશ્વાસઘાત સહિત ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ મહિલા અને તેના સાગરિત સામે ગુનો નોંધવામાં આવ્યો છે, જાેકે, સાગરિત કોણ છે તે અંગે ઓળખ થઈ શકી નથી.