ભાવનગરને હરિયાળુ બનાવવા માટે એક અનોખો પ્રયોગ હાથ ધરવામા આવશે. કોઈ કૂવા, બોર કે મહાપાલિકા પાસેથી પાણી લીધા વગર જ કે કોઈ અન્ય રીતે જમીનમાંથી પાણી ઉલેચ્યા વગર ૫૦૦૦ જેટલા નાના-મોટા વૃક્ષોથી ભરેલુ આખુ કેમ્પસ અહી તૈયાર કરાયુ છે. આ કામ કરી બતાવ્યુ છે ભાવનગરની સંસ્થા પીએનઆર સોસાયટીએ.
આ અંગે વાત કરતા સંસ્થાના ટ્રસ્ટી બાબાભાઈ શાહે કહ્યુ કે આ સંસ્થા વર્ષોથી દિવ્યાંગો માટે કામ કરી રહી છે. દસકાઓથી સંસ્થાનુ સપનુ હતુ કે આ નટરાજ કેમ્પસની ૬ એકર જમીનને લીલીછમ બનાવવી. આ માટે 2012માં અહીં લીમડો, ગુલમહોર, નાળીયેરી, આંબા, પામ તથા અન્ય નાના-મોટાં વૃક્ષો વાવ્યા. પાણીની કઈ સમસ્યા ઉભી ન થઈ કારણ કે શહેરનું ગૌરીશંકર તળાવ તો બાજુમાં જ હતું. આ બાદ અહી દાતાઓના સહયોગથી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવાયો.
હવે ગટરના પાણીને શુધ્ધ કરી ફરી વાપરવાલાયક બનાવવામા આવે છે. પહેલા અહી તો ૨૫૦૦૦ લીટરનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હતો જે પૂરતો હતો પણ અહીં ઓટીઝમ સ્કૂલ, ફિઝીયોથેરાપી સેન્ટર, ઈન્ક્લૂઝીવ સ્કૂલ, પ્રિવેન્શનલ પ્રોગ્રામ સેન્ટર, દિવ્યાંગ બાળકોની હોસ્ટેલ ધીમે ધીમે શરૂ થયા. આ બાદ જરૂરિયાત ૪૦૦૦૦ લીટરની ઉભી થઈ.
અહિના જનરલ સેક્રેટરી પારસભાઈ શાહે જણાવ્યુ કે આ બાદ જૂનો પ્લાન્ટ પરત કરી નવો આધુનિક ટેક્નોલોજી ૫૦૦૦૦ લીટરની ક્ષમતા સાથે ફેબ્રુઆરી ૨૦૨૨માં શરૂ કરી દેવામા આવ્યો. સંસ્થાના પ્રમુખ પાણીના મહત્વ વિશે વાત કરતા કહ્યુ કે એક ટીપું પાણી પણ વ્યર્થ ન જવું જોઈએ તે અમારો ઉદ્દેશ છે. અહીં ગટરના પાણીનો યોગ્ય રીતે ઉપયોગ કરી ચોતરફ લીલાછમ વાતાવતણ ઉભુ કરાયુ છે. આગામી સમયમા સૌ કોઈ માટે ગટરના પાણીમાંથી બનેલો આ ગ્રીન કેમ્પસ ઉદાહરણરૂપ સાબીત થશે.