સંજય જાની (અમદાવાદ)
મહેસાણા શહેર તેમજ સમગ્ર જિલ્લાના બ્રાહ્મણો સંગઠિત થાય તે માટે ભગીરથી કાર્ય કરનાર અહીંના યુવા અગ્રણીની જીવનપર્યત કામગીરી અસ્મરણીય છે. સમયના સથવારે ચાલતા ચાલતા સમાજ ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ રહી, રાજ્યભરના બ્રાહ્મણો સંગઠિત બની ગુજરાત તેમજ દેશભરમાં પ્રતિષ્ઠા ભર્યું નામ- સન્માન પામે તે માટે ગુજરાત રાજ્યના ખૂણે ખૂણામાં પ્રવાસ કરી, બ્રહ્મ સમાજના લોકો સાથે વાર્તાલાપ કરી 'સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ (રાજ્ય કક્ષા) મુખ્ય સંગઠક પદે રહી બ્રાહ્મણોને એક તાંતણે બાંધવાનું કાર્ય કરનાર સ્વ. કમલેશભાઈ પોપટલાલ વ્યાસને મહેસાણામાં અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપવા માટેનું આયોજન તેમની જન્મ જયંતીના દિવસે કરવામાં આવ્યું છે.
મહેસાણા બ્રહ્મ સમાજના યુવા અગ્રણી પિયુષ વ્યાસ અને તેમની યુવા ટીમ સાથે બ્રહ્મ સમાજના અનેક નામી અનામી ભાઈ બહેનોના સથવારે આગામી તા. ૨૩ જુલાઈના બ્રહ્મ સમાજના કોહીનૂર સ્વ. કમલેશભાઈ પોપટલાલ વ્યાસ (વિસનગર-મહેસાણા) ની જન્મ જયંતીની અનોખી રીતે ઉજવણી કરી તેમને શ્રદ્ધાસુમન પાઠવવામાં આવનાર છે. આયોજન મુજબ મહેસાણા નગરપાલિકાના ટાઉનહોલ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ મહેસાણા તેમજ અન્ય તમામ ભૂદેવો, વિદ્યાર્થીઓ અને મહર્ષિ એપના લાભાર્થીઓ માટે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. જેમાં બપોરે 1 થી 4:00 વાગ્યા સુધી જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 500 થી વધુ ઉમેદવારો ભાગ લેનાર છે. જે બાદ સાંજે 4:30 થી 07:30 સુધી પ્રતિભા સંપન્ન 350 થી વધુ વિદ્યાર્થીઓને સન્માન પત્ર, ટ્રોફી અને એક ડઝન ચોપડાનું વિતરણ કરવામાં આવશે. તદુપરાંત વિશેષ પદવી મેળવનાર 26 જેટલા સમાજ રત્નોનું સન્માન કરવામાં આવશે.
કાર્યક્રમની રૂપરેખા મુજબ સાંજે 8:30 વાગે સામાજિક અને કોમેડી નાટક 'આનું નામ ખાનદાની' રજૂ કરવામાં આવશે. નાટકની વિશેષતાએ છે કે દર્શકો આમાં પેટ પકડીને હસી પડે અને ક્ષણો બાદ આંખમાંથી અશ્રુધારા પણ વહી જાય તેવી સામાજિક સમજણ નાટકમાં દર્શાવવામાં આવી છે. કાર્યક્રમ અંગેના પાસ તેમજ અન્ય જાણકારી માટે નાગરિક સહાયતા કેન્દ્ર-વ્યાસજી પ્રા.લી.૩-૪ બીજો માળ જિન કૃપા કોમ્પ્લેક્સ, ડોસાભાઇ ધર્મશાળા પીલાજી ગંજ ખાતે સંપર્ક સાધવા આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે.