Ahemdabad News : અયોધ્યામાં રામલલ્લાની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થાય એ પહેલાં સમગ્ર વિશ્વના સનાતન પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ છે. પ્રભુ રામ પ્રત્યેનો પ્રેમ આસ્થા, ભક્તિ સૌ પોતાના અંદાજમાં રજુ કરે છે.
અયોધ્યા રામ અને નરેન્દ્ર મોદીને સમર્પિત શેરવાની તૈયાર કરનાર ડિઝાઈનર હેનિશ પટેલ કહે છે. રામ પ્રત્યે મને અપાર શ્રધ્ધા છે. સનાતન ધર્મને વેગવાન બનાવનાર નરેન્દ્ર મોદીને મારી આ કલાકૃતિ અર્પણ કરુ છું. આ શેરવાની પર રામ, રામ સીતા, શ્લોક સાથે રામ લક્ષ્મણ સીતા વનવાસ તરફ, નરેન્દ્ર મોદી અયોધ્યામાં, રામ ભજન, રામ હનુમાન, રામાયણના કાંડ – એક શ્લોકી સાર, રામબાણ સાથેનું પ્રચલિત ચિત્ર, પાછળના ભાગમાં અયોધ્યા મંદિર તૈયાર કર્યુ છે. આ તમામ સ્ટિચિંગ વર્ક તેમજ પેઇન્ટિંગ જાતે તૈયાર કર્યુ છે.
હેનિશ કહે છે, રામ મંદિર અયોધ્યા નગરી હાલ ખૂબજ ચર્ચામાં છે. સનાતન ધર્મ, સંસ્કૃતિ વધુ પ્રસરે એ માટેનો એક નાનકડો પ્રયાસ છે.
અમદાવાદના આ કલાકારે ભગવા શેરવાની પર ટુંક જ સમયમાં પેઈન્ટિંગ અને સ્ટિચિંગ ધ્વારા રામાયણ, અયોધ્યા, ભજન અને શ્લોકો તૈયાર કર્યા છે.
500 વર્ષની આતુરતા બાદ કરોડો ભક્તોના આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામ હવે ઠાઠમાઠ સાથે ભવ્ય મંદિરમાં દર્શન આપશે. રામલલાનું સ્વાગત કરવા માટે દેશભરના લોકો અવનવી રીતે પોતાનું યોગદાન આપી રહ્યા છે, ત્યારે અમદાવાદના ફેશન ડિઝાઇનરે એક એવો કુર્તો બનાવ્યો છે જેમાં આખી રામાયણના દર્શન થઈ જાય છે.
રામ મંદિર માટે ખાસ કુર્તો
અમદાવાદના હેનીશ પટેલ વર્ષ 2013થી ફેશન ડિઝાઇનિંગનું કામ કરે છે. દર વર્ષે નવરાત્રીમાં પોતાની હટકે સ્ટાઈલના આઉટફિટના કારણે તેઓ સોશિયલ મીડિયામાં પણ છવાયેલા રહે છે, ત્યારે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે તેમણે જાતે જ સ્પેશિયલ કુર્તો ડિઝાઇન કર્યો છે.
દિવસ રાત મહેનત કરીને માત્ર સાત જ દિવસમાં આ કુર્તો બનાવવામાં આવ્યો છે. જેમાં ખાસ ડબલ મટકા સિલ્ક કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ખાસ ભગવા રંગના કુર્તા પર ભરતકામથી આબેહૂબ રામ મંદિરના દર્શન થાય છે. આખા કુર્તામાં કુલ છ ચિત્રો પણ છે.
કુર્તાની ખાસિયતો:
– રામ ચરિત માનસના સાત કાંડનો ઉલ્લેખ
– રામ, લક્ષ્મણ અને જાનકી વનવાસમાં હોય તેવા દર્શન
– હનુમાનજી અને રામજીના મિલનનું ખાસ ચલચિત્ર
– એકશ્લોકી રામાયણ
– પ્રધાનમંત્રી મોદી અને રામજીનું ચલચિત્ર
નોંધનીય છે કે જે ચિત્રો આ કુર્તા પર દર્શાવવામાં આવ્યા છે એ હેનિશ પટેલે રંગોના ઉપયોગથી જાતે જ દોર્યાં છે.
PM મોદીને ભેટ આપવાની ઈચ્છા
સાથે ખાસ વાતચીતમાં હેનિશ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીની અપીલ બાદ ઘણા બધા લોકો રામ મંદિર માટે કામ કરી રહ્યા હતા તેથી મને પણ એવો વિચાર આવ્યો કે હું પણ મારુ યોગદાન આપું. જે બાદ મને આ સ્પેશિયલ કુર્તો બનાવવાનો વિચાર આવ્યો. મેં તેના માટે શાસ્ત્રના જાણકાર લોકો સાથે જાણકારી મેળવી, તથા રામચરિત માનસને લઈને પણ રિસર્ચ કર્યું.
આટલું જ નહીં હેનિશ પટેલની ઈચ્છા છે કે આ કુર્તો તેઓ પ્રધાનમંત્રી મોદીને ભેટ આપી શકે. તેમણે કહ્યું કે આ કુર્તો હું વેચવા નથી માંગતો, પ્રધાનમંત્રીને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઉપલક્ષમાં ભેટ આપવા માંગુ છું.