થોડા સમય પહેલાં જ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કરવા માટે વોટ્સએપ પોલ કરાવ્યો હતો. જેમાં ઈસુદાન ગઢવીને 73 ટકા મત મળતાં ઈસુદાન ગઢવીને AAPએ CM પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. ત્યારે હવે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ઇસુદાન ગઢવી દ્રારકાથી ચૂંટણી લડવાના છે. જો કે પાર્ટી તરફથી એવી કોઈ જાહેરાત હજુ સુધી કરવામાં નથી આવી, પરંતુ અંદરના સુત્રો દ્વારા આ માહિતી બહાર આવી રહી છે.
વિધાનસભા ચૂંટણીને લઈ હાલમાં ગુજરાતના રાજકારણનો માહોલ ભારે ગરમાવો પેદા કરી રહ્યો છે. આમ આદમી પાર્ટીએ જાહેર કરેલા CM કેન્ડીડેટ ઇસુદાન ગઢવી દ્રારકાથી ચૂંટણી લડવાની વાત પણ વહેતી થઈ છે. તેઓને આમ આદમી પાર્ટીએ ગુજરાત AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા એ વાત આજે આખું રાજ્ય જાણે છે.
હાલમાં બધી પાર્ટી એકબીજા પર પ્રહારો કરી રહી છે. ત્યારે ગુજરાત ચૂંટણીની ચર્ચા દરમિયાન કેજરીવાલે ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે જો ભાજપે અહીં કામ કર્યું હોત તો અમને 27 વર્ષ પછી ગુજરાતમાં સ્થાન ન મળ્યું હોત. એમ પણ કહ્યું કે ગુજરાતના લોકો કેજરીવાલને પોતાનો ભાઈ માનવા લાગ્યા છે, તેમને પરિવારનો એક ભાગ માનવા લાગ્યા છે. મેં ગુજરાતની જનતાને વચન પણ આપ્યું છે કે જો અમારી સરકાર બનશે તો હું તમારા પરિવારના એક ભાગ તરીકે જવાબદારી નિભાવીશ.