પઠાણ ફિલ્મના વિવાદની આગ હજુ ઓલવાઈ નથી ત્યાં જ એક નવી આગ ફરી સળગી ઉઠી છે. ગુજરાતી ફિલ્મ તખુભાની તલવાર રિલીઝ થઇ રહી છે ત્યારે આ ગુજરાતી ફિલ્મમાં ક્ષત્રિય સમાજને નીચો દેખાડવામાં આવ્યો હોવાના દાવા સાથે કરણી સેનાએ વિરોધની ચીમકી ઉચ્ચારી છે. ગુજરાતી ફિલ્મ તખુભાની તલવાર સામે વિરોધ ઉઠ્યો છે અને કરણી સેના દ્વારા તેના વિરોધ અને ચીમકી ઉચ્ચારાઈ છે. આવતીકાલે આ ફિલ્મ રિલીઝ થશે તે પહેલા કરણી સેના દ્વારા વિરોધ કરવામાં આવશે.
આ સાથે એવી પણ માહિતી સામે આવી રહી છે કે ફિલ્મ રિલીઝ ન થાય તે માટે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને અપીલ પણ કરવામાં આવી છે. કરણી સેનાના આગેવાનોએ કહ્યું કે ફિલ્મ રિલિઝ થશે ઉગ્ર વિરોધ કરીશુ. કારણકે કે આ ગુજરાતી ફિલ્મમાં ક્ષત્રિય સમાજને નીચો દેખાડવામાં આવ્યો હોવાની કરણી સેનાએ રાવ ઉઠાવી છે. ફિલ્મના અમુક અંશોના કારણે રાજપૂત સમાજની લાગણી દુભાઈ રહી હોવાનું કરણી સેનાના અગ્રણીઓએ કહ્યું હતું.
રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ જે.પી. જાડેજાએ જણાવ્યું છે કે, આ ફિલ્મમાં ક્ષત્રિય સમાજની લાગણી દુભાઇ તે રીતે ફિલ્માવવામાં આવ્યું છે. આથી સરકારને વિનંતી છે કે આ ફિલ્મ રિલીઝ થતું અટકાવો, નહીંતર ક્ષત્રિય સમાજ રોડ પર ઉતરી પ્રદર્શન કરશે. અમારી જાણમાં આવ્યું છે કે, આવતીકાલે એક ગુજરાતી ફિલ્મ આવી રહી છે. જેના નિ્ર્માતા હરેશભાઈ પટેલ છે. ફિલ્મનું નામ તખુભાની તલવાર છે. આ ફિલ્મમાં ક્ષત્રિય સમાજને નીચો દેખાડવામાં આવ્યો છે. ક્ષત્રિય સમાજની લાગણી દુભાઇ તેવું ફિલ્માવવામાં આવ્યું છે. હું ગુજરાત સરકારના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી જણાવવા માગુ છું કે, જે સમાજે અખંડ ભારતના નિર્માણમાં 562 રજવાડાઓનું યોગદાન આપ્યું હોય અને હિન્દુ સંસ્કૃતિમાં વિધર્મીઓના આક્રમણને ખાળવા માટે જેણે અસંખ્ય બલિદાનો આપ્યા હોય તેવા ક્ષત્રિય સમાજને આવી રીતે ફિલ્માવવામાં આવતું હોય તેવા નિર્માતાઓને તમે તાકીદ કરો. આ ફિલ્મને રિલીઝ થતું અટકાવો. નહીંતર રાજપૂત કરણી સેના રોડ પર આવશે અને પ્રદર્શન-ધરણા કરી આ ફિલ્મને રિલીઝ થતું અટકાવશે.