Gujarat News: દસ દિવસ પહેલાં શરૂ કરાયેલી ઇલેક્ટ્રિક ડબલડેકર બસમાં ટેકનિકલ ફોલ્ટ સર્જાતાં અડાલજ ખાતે અટકી પડી હતી. જોકે ડેપોના મિકેનિકલ સ્ટાફે પહોંચી જઈ ટેકનિકલ ક્ષતિ નિવારીને ડબલડેકર બસ ફરી ચાલું પણ થઈ ગઈ હતી. જોકે ટેકનિકલ ક્ષતિને દૂર કરવામાં અંદાજે 45 મિનિટ જેટલો સમય મુસાફરોએ રાહ જોવી પડી હતી.
વાઇબ્રન્ટ ગુજરાત સમિટના કાર્યક્રમ પહેલાં એટલે ગત 7 જાન્યુઆરીએ રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગના મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઇલેક્ટ્રિક બે ડબલડેકર બસનું લોકાર્પણ કરાવ્યું હતું.
વાઇબ્રન્ટ સમિટ પૂર્ણ થતાં ઉત્તરાયણથી ગાંધીનગર અને ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસનું સંચાલન હાલમાં અમદાવાદ એસટી ડેપોના વોલ્વોના મેનેજર દ્વારા કરવામાં આવી રહ્યું છે. વિભાગ દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, ઇલેક્ટ્રિક ડબલડેકર બસ ખોટકાઈ નથી, પરંતુ ડ્રાઇવરની ભૂલના કારણે સ્વિચ દબાઈ જવાથી બસ અટકી પડી હતી. જોકે તે ટેકનિકલ ક્ષતિ સુધારી દેતાં બસ તેના રૂટ પર રાબેતા મુજબ દોડતી થઈ હોવાનું ડેપોનાં સૂત્રોએ જણાવ્યું હતું.
ઉજાલા સર્કલ વચ્ચે બસ દોડાવવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. બસમાં અંદાજે 55 મુસાફર બેઠા હતા. ઈલેક્ટ્રિક ડબલ ડેકર બસ ડેપોમાંથી સવારે 7.10 કલાકે ઊપડી હતી. બસ ગાંધીનગરથી અડાલજ ૧ પહોંચતા જ ટેકનિકલ ખામી સર્જાતા બસ થંભી ગઈ હતી.
તમને જણાવી દઈએ કે ગુજરાતમાં નવું નજરાણું ઉમેરાયું છે. ગાંધીનગરના રસ્તા પર હવે લંડનના રસ્તા પર જોવા મળે છે તેવી ડબલ ડેકર એ.સી. ઈ-બસ જોવા મળશે. હાલ આવી પાંચ ડબલડેકર બસ ખાસ લંડનથી મંગાવાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બસોનું લોકાર્પણ કર્યું હતું. આ બસ વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. ત્યાર પછી આ બસોને સરખેજ, ગાંધીનગર અને ગિફ્ટ સિટી રૂટ પર દોડાવાશે.